કચ્છનો પરિવેશ ગુજરાતી ફિલ્મો માટેય ખૂબ રળિયામણો

કચ્છનો પરિવેશ ગુજરાતી ફિલ્મો માટેય ખૂબ રળિયામણો
કાંતિ ધોરિયા દ્વારા  અંજાર, તા. 15 : ગાંધીધામમાં બાગેશ્રી ફિલ્મ્સ પ્રા. લિ. અને બાગેશ્રી ઇન્ફ્રાટેક આયોજિત બોલીવૂડ નવરાત્રિમાં ગુજરાતના સિતારા મલ્હાર ઠાકર અને દીક્ષા જોશી તેમની આગામી ફિલ્મ `શરતો લાગુ'ના પ્રમોશન હેતુ પહોંચ્યા હતા, જેમાં બંને ફિલ્મ કલાકારોએ પોતાની આગામી ફિલ્મ વિશે ખુલ્લીને વાત કરી હતી. તેમનું સ્વાગત બાગેશ્રી ઇન્ફ્રાટેકના બીજલ મેહતા અને અમન મેહતાએ કર્યું હતું. આ સિતારા અને મેહતા દંપતીએ આદ્યશક્તિની આરતી કરીને ખુલ્લી મૂકી હતી. એ સિતારાઓને જોવા માટે લોકો ઊમટયા હતા. મલ્હાર અને દીક્ષાએ આગવી શૈલીમાં ખેલૈયાઓ સાથે સંવાદ કર્યો હતો અને પોતાની આગામી ફિલ્મ વિશે જણાવ્યું હતું. કચ્છમિત્ર સાથે તેમણે વાત કરી હતી. જેમાં જણાવ્યું કે, `શરતો લાગુ' એ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે. એ ફિલ્મની કથા ફક્ત ત્રી કે પુરુષને નહીં, પરંતુ બે પરિવારની છે. આ ફિલ્મમાં બંને કલાકારોએ પોતાનાં પાત્ર વિશેની માહિતી પણ આપી હતી તેમજ શ્રી ઠાકરે જણાવ્યું કે, પ્રોડયુસર તરીકેની આ તેમની પહેલી ફિલ્મ છે. તેમની આગામી મૂવી અગાઉ સુપરહિટ રહી ચૂકેલી ફિલ્મ `છેલ્લો દિવસ', `લવની ભવાઇ' અને `શું થયું?' કક્ષાની સફળતા મેળવશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ ફિલ્મનું શૂટિંગ કચ્છમાં કરવામાં આવેલું હતું. કચ્છ તેમને શૂટિંગ ડેસ્ટિનેશન તરીકે કેવું લાગ્યું-એ પ્રશ્નનો હકારાત્મક જવાબ આપેલો કે કચ્છમાં તેમને બધું જોવા મળ્યું, જેમ કે સફેદ રણ, દરિયો, ડુંગરો. આ પ્રકારનો માહોલ તેમણે અન્ય ક્યાંય નથી નિહાળ્યો. જો તેમને આવકાર મળશે તો ભવિષ્યમાં તેઓ ચોક્કસ ફરી કચ્છમાં શૂટ કરવાનું પસંદ કરશે. ગુજરાતી ફિલ્મના ભવિષ્ય અંગે જણાવ્યું કે, આવનારા પાંચ દાયકા ગુજરાતી ફિલ્મના છે, જેના લીધે નવી ઊંચાઇએ પહોંચશે. આ મુલાકાતમાં મનીષભાઇ, છાયાબેન ચૌહાણ, નેપથ્ય : ધ બેકસ્ટેજના ધવલ થરાદરા વગેરે જોડાયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer