વીરાયતનમાં બનશે અદ્યતન ઓડિટોરિયમ

વીરાયતનમાં બનશે અદ્યતન ઓડિટોરિયમ
ભુજ, તા. 15 : કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે સેવારત સંસ્થા વીરાયતન દ્વારા તેમના હરિપર સ્થિત સંકુલમાં રૂા. ત્રણ કરોડના ખર્ચે વાતાનુકૂલિત અત્યાધુનિક ઓડિટોરિયમનું નિર્માણ કરવામાં આવશે, જેનું ભૂમિપૂજન પૂ. આચાર્યા ચંદનાશ્રીજીના આશિષ સાથે પૂ. સાધ્વી શિલાપીજી મહારાજના હસ્તે સંપન્ન થયું હતું. સંસ્થાના ઇજનેરી કોલેજના હરિપર સ્થિત સંકુલમાં નિર્માણ પામનારા આ સંકુલમાં 800થી વધુ લોકોની બેઠકવ્યવસ્થા હશે. આ સભાગૃહ મુંબઇના પ્રસિદ્ધ આર્કિટેક્ટ જમીલ વોરાની દેખરેખમાં નિર્માણ પામશે. આ પ્રસંગે સાધ્વી શિલાપીજી મહારાજે જણાવ્યું હતું કે, ભૂકંપ પ્રતિરોધક આ હોલમાં આધુનિક મલ્ટિમીડિયા ટેક્નિકનો ઉપયોગ થશે, જ્યાં છાત્રોના સર્વાંગી વિકાસ માટે કાર્યક્રમો ઉપરાંત કચ્છના પ્રબુદ્ધ સમાજ માટે સંગોષ્ઠિ અને સંમેલનો યોજાશે. વીરાયતન - કચ્છના અધ્યક્ષ સુંદરજીભાઇ શાહ, કોષાધ્યક્ષ પ્રવીણ છેડા, દુબઇથી ઉપસ્થિત યોગેશભાઇ દોશી અને તેમનાં પત્ની નીતાબેન દોશીના સહયોગને બિરદાવતાં તેમણે કહ્યું કે, ભવનનું નિર્માણ લગભગ છ મહિનામાં પૂર્ણ?થવા આશા છે. વીરાયતન - કચ્છના વ્યવસ્થાપક અનિલ જૈને કહ્યું હતું કે, આ સંસ્થા છેલ્લાં 18 વર્ષથી કચ્છના શૈક્ષણિક-આધ્યાત્મિક વિકાસ માટે નિ:સ્વાર્થ ભાવથી સમર્પિત છે. સંસ્થાની વિવિધ કોલેજ-શાળામાં અઢીથી ત્રણ?હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં 800થી 1000 છાત્રો નિ:શુલ્ક ભણે છે ને કોઇ?જાતિ, સંપ્રદાય, વર્ગ કે ધર્મનો ભેદ નથી રખાતો. રુદ્રાણી શાળા તદ્દન નિ:શુલ્ક શિક્ષણ સેવા આપે છે. આ ભૂમિપૂજન પ્રસંગે શ્રી શાહ, શ્રી છેડા, શ્રી દોશી ઉપરાંત સાધ્વી સુમેધાજી, વીરાયતન - કચ્છના સચિવ ડો. કૌશિક શાહ, વ્યવસ્થાપક શ્રી જૈન તેમજ બીબીએ - બીસીએ કોલેજના વ્યવસ્થાપિકા ઋતુ જૈન ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer