નબળી રાજકીય ઇચ્છાશક્તિના કારણે માંડવીના લોકોને થતો અન્યાય

માંડવી, તા. 15 : કચ્છના લગભગ તમામ તાલુકાના મુખ્ય મથકોમાં નાયબ કલેક્ટર (પ્રાંત અધિકારી)ની નિમણૂક થઇ છે, ત્યારે માંડવી તાલુકાને અન્યાય થઇ રહ્યો છે. નલિયા, નખત્રાણા, મુંદરા ગ્રામ પંચાયતવાળા વિસ્તારમાં સ્વતંત્ર કચેરી આવેલી છે, ત્યારે નગરપાલિકા ધવરાતા માંડવીમાં જ સ્વતંત્ર હવાલામાં પ્રાંત અધિકારીની નિમણૂક ન કરવામાં આવતાં લોકોને તકલીફ પડે છે. હાલે તાલુકાના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે મુંદરા ધક્કો ખાવો પડે છે. સમસ્યાના નિરાકરણ માટે અગાઉ મુખ્યમંત્રીને તા. 26/12/2013ના મંચના પ્રમુખ રાજેશભાઇ ભટ્ટ દ્વારા રજૂઆત કરાઇ હતી. ત્યારબાદની વખતોવખતની રજૂઆત છતાં આ સમસ્યાનો હંગામી ઉકેલ જે ટૂંક સમય માટેનો હોવો જોઇએ તેના બદલે પાંચ વર્ષના લાંબાગાળાથી આ પ્રશ્ન લટકતો રહેલો છે. માંડવી તાલુકાના જાગૃતિ મંચ દ્વારા મુખ્યમંત્રી, માંડવી વિસ્તારના ધારાસભ્ય, મહેસૂલમંત્રી, કલેક્ટર વિગેરેને રૂબરૂ તેમજ લેખિતમાં રજૂઆત કરતાં ઉકેલ માટેનો સધિયારો હાલે મળેલો છે. માંડવીની નબળી રાજકીય ઇચ્છાશક્તિના કારણે માંડવીના લોકોને થતો અન્યાય દૂર કરી માંડવીને વિકાસના પાટે ચડાવવા શ્રી ભટ્ટે માગણી કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer