લેરની કંપનીએ કરેલા દબાણના તંત્રના અહેવાલ સામે ગ્રામજનોનો વાંધો

ભુજ, તા. 15 : તાલુકાના લેર ખાતેની આશાપુરા ગ્રુપ ઓફ કંપનીઝ પૈકીની મે. આશાપુરા પર્ફોક્લે લિમિટેડ દ્વારા સરકારી ખરાબાવાળી જમીન પર વર્ષોથી ગેરકાયદે જિપ્સમ જેવા ઘન કચરાનું ડમ્પિંગ કરાય છે. જેથી કૈયાવાળું વહેણ સહિત સરકારી, ખાનગી, પંચાયત વગેરેની જમીનો સહિતનાં દબાણની ફરિયાદને પગલે તંત્રની ટીમે તપાસ કરીને આપેલા અહેવાલ સામે ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો હતો. લેર ગ્રામજનો અને વાડી વિસ્તારના ખેડૂતોએ કંપની દ્વારા 15 વર્ષથી પાણી અને હવાનું પ્રદૂષણ ફેલાવાઈ રહ્યાની ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભુજ સ્થિત પ્રાદેશિક અધિકારીને ફરિયાદ કરી હતી. માધાપર નવાવાસ, ભીમાસરના નરેશભાઈ લક્ષ્મણ પિંડોરિયા, જશુબેન નરેશ પિંડોરિયા, લેરના ગુલાબસિંહ હરિસિંહ રાઠોડ તથા કુકમા લેરના ગ્રામજનો તથા ખેડૂતોએ જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર અને મામલતદારને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તંત્રની ટીમે તપાસ કરી આપેલા અહેવાલ સામે વાંધો ઉઠાવ્યા બાદ ફેરતપાસ કરાઈ તેમાં પણ કંપનીનાં દબાણ હેઠળ અપાયેલા અહેવાલ સામે વાંધો ઉઠાવી સ્થાનિકે તેમની સાથે ઉપસ્થિત રહી દબાણ દર્શાવતા જીપીઆરએસથી પાડેલા ફોટા સાથે રજૂઆત કરાઈ હતી. ઉપરાંત જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધીક્ષક-ભુજને લેરના બાલુભા માનસંગજી રાઠોડે ફરિયાદ કરી હતી કે તેમના વાડી વિસ્તારના કંપની દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદૂષણ ફેલાવાતું હતું જેના લીધે ગ્રામજનો-ખેડૂતો સાથે મળી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરતાં કંપનીને બંધ કરાઈ હતી. જેના પ્રત્યાઘાતરૂપે કંપનીના શખ્સ ગોવિંદ કારા મોબાઈલ ફોનથી તેમને ધમકી અપાઈ હોવાથી રક્ષણ મળવા માંગ કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer