ભુજના દાદા-દાદી પાર્કમાં સિનિયર સિટીઝન્સ દ્વારા ગાંધીવંદના કરાઈ

ભુજ, તા. 14 : હાસ્ય ક્લબના ઉપક્રમે સિનિયર સિટીઝન્સ કલાકારો, કવિઓ અને ઈતિહાસવિદો્ દ્વારા પૂ. ગાંધીજીની 150મી જન્મજયંતી સાંઘી દાદા-દાદી પાર્કમાં સંયુક્ત રીતે મનાવવામાં આવી હતી. આ તકે વાર્તા વિહારના લેખકો, કાવ્ય નિર્ઝરીની કવયિત્રીઓ અને અંજારના કવિ ચાતક અને આદિપુરના ગાયિકા જોગેશ્વરીબેન છાયા સહિતના હાજર રહ્યા હતા. પ્રારંભે સંયોજક કનુભાઈ જોષીએ કલાકારોને આવકારીને ગાંધીજીના ગુજરાતી સાહિત્યમાં સ્થાન વિશે રૂપરેખા આપી હતી. પ્રમુખ રસિકભાઈ બુદ્ધભટ્ટીએ સૌનું સ્વાગત કર્યું હતું. સરસ્વતીબેને ગાંધીજીના સત્યના પ્રયોગ વિશે સમજ આપી હતી. તો કાવ્ય નિર્ઝરી સંસ્થાનો પરિચય લેખિકા અરુણા અરુણ ઠક્કરે આપ્યો હતો. હાસ્ય ક્લબના શંભુભાઈએ ગાંધીબાપુ, કસ્તૂરબા વચ્ચેની રમૂજ પ્રસ્તુત કરી હતી. અંજારના કવિ `ચાતકે' પોતાની ગઝલોમાં ગાંધી બાપુની વંદના કરી હતી. નરશીં ગોગારીએ ક્વિઝના ગાંધી વિષયક પ્રશ્નોની રમત રમાડી હતી. આભારવિધિ ગઢવીભાઈએ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer