ભારતના મહાબંદરગાહોનો માલ હેરફેરનો આંક પ્રથમ છ મહિનામાં 5.12 ટકા વધ્યો

ગાંધીધામ, તા. 15 : દેશના મહાબંદરગાહોનો માલ હેરફેરનો આંક ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષના પ્રથમ છ મહિનામાં 5.12 ટકાના દરે વધ્યો છે. વૃદ્ધિના આ આંકમાં કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટનો 17.08 ટકા સાથે સિંહફાળો છે. કેન્દ્રીય શિપિંગ મંત્રાલયે જારી કરેલી એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે એપ્રિલથી સપ્ટેમ્બર 2018ના છ મહિનાના ગાળામાં ગત વર્ષે 12 મહાબંદરગાહોએ કુલે 326.54 મિલિયન ટન કારગો હેન્ડલ કર્યો હતો, તે સામે ચાલુ વર્ષે 343.26 મિલિયન ટન માલની હેરફેર નોંધાઈ છે. 12 પૈકી 9 મહાબંદરો દીનદયાળ પોર્ટ, કોલકાતા (હલ્દિયા સહિત), પારાદીપ, વિશાખાપટ્ટનમ, કામરાજાર, ચેન્નાઈ, કોચીન, ન્યૂ મેંગલોર તથા જે.એન.પી.ટી.માં હકારાત્મક ફેરફેર થઈ છે. કામરાજારમાં કાર્ગો હેન્ડલિંગની વૃદ્ધિ 19.66 ટકા, કોચીનમાં 11.51 ટકા, પારાદીપ 11.12 ટકા, હલ્દિયામાં 10.07 ટકા અને દીનદયાળમાં 10.03 ટકાની નોંધાઈ છે. માલ હેન્ડલિંગનો સૌથી વધુ આંક દીનદયાળ પોર્ટમાં નોંધાયો છે. છ મહિનામાં તેણે 58.63 મિ. ટન કાર્ગો હેન્ડલ કર્યો છે. જે દેશના કુલ હેન્ડલિંગમાં 17.08 ટકાનો હિસ્સો ધરાવે છે. તે પછી પારાદીપ 52.90 મિ. ટન, જે.એન.પી.ટી. 34.81 મિ. ટન, વિશાખાપટ્ટનમ 31.76 મિ. ટન, કોલકાતા 29.97 મિ. ટન કાર્ગો હેન્ડલ થયો છે. આ પાંચ મહાબંદરોએ દેશના તમામ મહાબંદરોના કુલ ટ્રાફિક હેન્ડલિંગમાં 60.62 ટકાનો હિસ્સો આપ્યો છે. દેશના બંદરીય ટ્રાફિક વધારાના આ હકારાત્મક આંકડા છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer