ભુજમાં ગરબી દરમ્યાન ડખો થતાં યુવાન પર છરીથી હુમલો

ગાંધીધામ, તા. 15 : ભુજના હિલગાર્ડન નજીક આવેલી ગરબી (નવરાત્રિ) દરમ્યાન સામાન્ય મુદ્દે બોલાચાલી બાદ એક શખ્સે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. બીજી બાજુ ભચાઉના વોંધમાં યુવતીને ખરાબ નજરે ન જોવાનું કહેતાં એક ઇસમે યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. ભુજના હિલગાર્ડન નજીક આવેલી ડ્રીમ્સ નવરાત્રિમાં જયદીપસિંહ રઘુવીરસિંહ ઝાલા તથા તેનો મિત્ર અભયસિંહ જયેન્દ્રસિંહ ઝાલા ગયા હતા. આ બન્ને યુવાનો ગરબા રમી રહ્યા હતા. દરમ્યાન બાજુમાં રમતા બાવાજી નામના શખ્સને દાંડિયો અડી જતાં બોલાચાલી થઇ હતી. બાદમાં આ બન્ને મિત્રો જયદીપસિંહ અને અભયસિંહ નવરાત્રિના ગેટ પાસે ઊભા હતા ત્યારે બાવાજી, રામ ઉર્ફે રામલો ભટ્ટ, રાજ જાગરિયા, અન્ય એક બાવાજી નામનો શખ્સ આ ચારેય આ યુવાનો પાસે આવી જયદીપસિંહને મારમારી બાવાજી નામના શખ્સે છરી મારી હતી. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ વોંધમાં મહારાષ્ટ્ર કોલોની પાછળ આવેલા ખેતરની બાજુમાં મારામારીનો બનાવ બન્યો હતો. અનવર ઓસમાણ કુંભાર અને હનીફ ઉમર કુંભાર બન્ને બાઇકથી જઇ રહ્યા હતા ત્યારે હનીફે ચાલુ બાઇક ઉપર અનવરને છરીના ઘા ઝીંકયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, અનવરના માસીસાસુની દીકરીને આ ઇસમ ખરાબ નજરે જોતો હોઇ ભોગ બનનાર યુવાને તેને અગાઉ 2-3 વખત ઠપકો આપ્યો હતો, જેનું મનદુ:ખ રાખીને તેણે ગઇકાલે બપોરે ચાલુ બાઇક પર છરી વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer