ગાંધીધામમાંથી માનવ હાડકું મળી આવતાં ભારે ચકચાર

ગાંધીધામ, તા. 15 : શહેરના એફ.સી.આઇ. ગોદામ પાછળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી એક માનવ હાડકું મળી આવતાં ચકચાર પ્રસરી હતી. આ માનવ હાડકું કોનું છે અને તેનું મોત કેવી રીતે થયું તે સહિતની મથામણ માટે પોલીસે પગલાં ભર્યાં છે. શહેરના એફ.સી.આઇ. ગોદામ પાછળ બાવળની ઝાડીમાંથી એક માનવ હાડકું મળી આવ્યું હતું તથા આ હાડકાંની આસપાસથી કપડાં અને ટોપી પણ મળી આવ્યા હતા. દોઢેક મહિના અગાઉ ગુમ થયેલા કિશન ઉર્ફે શેરા નામના યુવાનનું આ હાડકું હોવાની પોલીસને શંકા છે. આ યુવાન ગુમ થયો હતો ત્યારે પોલીસ મથકે ગુમનોંધ પણ થઇ હતી તેવું પોલીસે જણાવ્યું હતું. કિશનનો અગાઉ અકસ્માત થયો હતો અને તેના હાથમાં પ્લેટ સાથે ક્રૂ બેસાડાયા હતા. ગઇકાલે મળેલા આ હાડકામાં પણ ત્રણેક ક્રૂ મળ્યા હોવાનું બહાર આવ્યું હતું. હવે ખરેખર આ હાડકું કિશનનું જ છે કે નહીં તે માટે હાડકાંનું અને કિશનની માતાનું ડીએનએ મેળવાશે તથા હાડકાંનેએફએસએલ માટે જામનગર લઈ જવામાં આવશે તેવું પ્રાથમિક તપાસ કરતા કાનજીભાઇ ગોરસિયાએ જણાવ્યું હતું. આ હાડકું કોનું છે અને તેનું મોત કેવા કારણોસર થયું છે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer