વધુ એક મહાવિજયના લક્ષ્ય સાથે કોહલીસેના મેદાને પડશે
હૈદરાબાદ, તા. 11 : શુક્રવારથી અહીં શરૂ થઇ રહેલ શ્રેણીના બીજા અને આખરી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ઇરાદો વધુ એક મહા વિજય સાથે વેસ્ટ ઇન્ડિઝનો 2-0થી સફાયો કરવાનો રહેશે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમનો ઇરાદો વધુ એક કારમી હારથી બચવા અને મેચમાં સન્માનજનક દેખાવ કરવાનો રહેશે. કોહલીસેનાએ કેરેબિયન ટીમ સામે રાજકોટમાં એક દાવ અને 272 રને વિક્રમી વિજય ત્રણ દિવસની અંદર હાંસલ કર્યો હતો. હૈદરાબાદ ટેસ્ટમાં પણ ભારતે રાજકોટ ટેસ્ટમાં રમાડેલ ઇલેવન ચાલુ રાખી છે. આથી મંયક અગ્રવાલને ઇલેવનમાં તક મળશે નહીં. કેએલ રાહુલ અને યુવા સદીવીર પૃથ્વી શો ભારતના દાવનો પ્રારંભ કરે. તિતલી વાવાઝોડાને લીધે મેચમાં હવામાનનું વિઘ્ન રહે તેવી આગાહી થઇ છે. વેસ્ટ ઇન્ડિઝના સુકાની જેસાન હોલ્ડરનું બીજા ટેસ્ટમાં રમવું પણ નિશ્ચિત નથી. તેને ફિટનેસની સમસ્યા છે. આ ઉપરાંત ઝડપી બોલર શેનન ગ્રેબિયલનું પણ રમવું શંકાસ્પદ છે. જો કે કેમર રોચની વાપસી લગભગ નિશ્ચિત છે. હાલની વેસ્ટ ઇન્ડિઝની ટીમની બેટિંગ-બોલિંગ તુલના ભારતની કોઇ પ્રથમ શ્રેણીની નબળી ટીમ સાથે થઇ રહી છે. આથી હૈદરાબાદ ટેસ્ટમાં પણ ભારતીય ટીમ વધુ એક મોટો વિજય મેળવશે તેવું માનવામાં આવી રહયું છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પૂર્વે ટેસ્ટ ટીમ માટે એક નબળી ટીમ સામે આ સારો પ્રેકટીસ મેચ બની રહેશે. ખાસ કરીને યુવા ઓપનર પૃથ્વી શો પર ફરી બધાની નજર રહેશે. તેણે રાજકોટમાં પદાપર્ણ ટેસ્ટમાં આક્રમક સદી કરી હતી. મેચ સવારે 9-30થી શરૂ થશે.