પુત્રીએ અન્ય જ્ઞાતિના યુવકથી લગ્ન કરતાં માંડવીમાં માતાનો આપઘાત

ભુજ, તા. 11 : ઘરમાં કોઇને કહ્યા વગર યુવાન પુત્રીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતાં હેમલતાબેન નીતિનભાઇ ચૌહાણ (ઉ.વ.50) નામની તેની માતાએ ગળેફાંસો ખાઇ મોત વ્હાલું કરી લીધું હોવાનો કરુણ કિસ્સો માંડવી શહેરમાં બન્યો હતો. માંડવીમાં એઇમ્સ હોસ્પિટલની પછવાડે દિવાળી ભવન ખાતે રહેતા પ્રૌઢ વયના હેમલતાબેન ચૌહાણે આજે બપોરે ચારથી પાંચ વાગ્યા દરમ્યાન પોતાના ઘરમાં દુપટ્ટા વડે પંખામાં લટકી જઇને આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં આ વિશે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા તેમના પતિ નીતિનભાઇ પોપટલાલે પોલીસમાં જાણ કરી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે આ હતભાગી મહિલાની પુત્રી દીપાએ અન્ય જ્ઞાતિના યુવાન સાથે પ્રેમલગ્ન કરી લેતાં તેના કારણે લાગી આવવાથી આત્મહત્યા કરાઇ હતી, તેવું પોલીસ સમક્ષ લખાવાયું છે. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer