માતાજીનો મઢ યાને શ્રી આશાપુરાજી પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન

માતાજીનો મઢ યાને શ્રી આશાપુરાજી   પુસ્તકની નવી આવૃત્તિનું વિમોચન
માતાનામઢ (તા.લખપત), તા. 11 : `માતાજીનો મઢ યાને શ્રી આશાપુરાજી' પુસ્તકની એક વધુ આવૃત્તિનું વિમોચન માતાના મઢ ખાતે રાજાબાવા  યોગેન્દ્રસિંહજીના હસ્તે કરાયું હતું. 1943માં મહારાવ વિજયરાજજીએ આ પુસ્તક પ્રસિદ્ધ કરાવ્યા બાદ પુસ્તકના લેખક સ્વ. ખરાશંકર જટાશંકર જોશીના પરિવાર દ્વારા નવી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે જેનું વિમોચન યોજાયું હતું. પુસ્તકમાં માતાજી આશાપુરાજીનું મૂળ સ્વરૂપ તથા તેમને લગતી દંતકથાઓ, કાપડી તથા ભુવાના મૂળ પુરુષો, મઢ જાગીરના ફાંટાઓની વિસ્તૃત હકીકત મંદિરના લેખો-આભૂષણો અને પરચાઓ, માતાજીની યાત્રાના પર્વો, બલિ, ભાવિક ભક્તો તરફથી થતી માનતાઓ અને ભેટ, પીરોની સમાધિ, મઢમાં અન્ય મંદિરો તથા પાળિયાઓ વિશે માહિતી આપવામાં આવી છે તેવું નૂતન પ્રકાશક મનીષ જોષીએ જણાવ્યું હતું. આ પ્રસંગે જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, શ્રી ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલભાઈ કટારિયા, સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, ભુવા પરિવારના દિલુભા ચૌહાણ તેમજ લેખક પરિવારના એલ.કે. જોશી, પ્રદીપ જોશી, રજનીકાંત જોશી, રામભાઈ પુરોહિત તેમજ મઢ ગામના વેપારીઓ તથા મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer