પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો ફસવાઇના ટેન્ક ટર્મિનલને બંધ કરવાનો આદેશ

ગાંધીધામ, તા. 11 : શહેર સંકુલના અગ્રણી ઉદ્યોગ જૂથ ફ્રેન્ડસ એન્ડ ફ્રેન્ડસના ખારી રોહર રસ્તે, કંડલા સ્થિત ફસવાઇ ટેન્ક ફાર્મને 15 દિવસમાં બંધ કરી દેવાનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આદેશ આપતાં ચકચાર પ્રસરી છે. જી.પી.સી.બી.ના ચેરમેન ડો. રાજીવકુમાર ગુપ્તાએ ગઇકાલે જારી કરેલા આદેશમાં જણાવ્યા પ્રમાણે ખારી રોહર રસ્તે જૂના કંડલા વિસ્તારમાં બૂસ્ટર પંપ સ્ટેશન પાસે આવેલા ફસવાઇ ટેન્ક ફાર્મમાં દીનદયાળ પોર્ટની બંદર જેટી ઉપરથી લવાયેલો અને ટેન્ક ફાર્મમાં સંગ્રહાયેલો 891.120 મેટ્રિક ટન વોટર ઓઇલી સી વોટર મિક્સચરનો જથ્થો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મંજૂરી વિના રખાયો હતો. વોટર પ્રિવેન્શન અને કન્ટ્રોલ કાયદો 1974 તથા હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ 2016ની કલમ વી-(બી) હેઠળ થયેલી ફરિયાદને લઇને જીપીસીબીની ટીમે ગઇ તા. 20/9/2018ના સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જેમાં આ જથ્થો ગેરકાયદે સંગ્રહાયેલો જણાયો હતો. જેના આધારે જીપીસીબી ચેરમેને પોતાની સત્તાની રૂએ આ આદેશના 15 દિવસમાં આ પ્રવાહી કારગો સંગ્રહ પ્લાન્ટ બંધ કરવા, ડીજી સેટ બંધ કરવા આદેશ કર્યો છે. સાથેસાથે પર્યાવરણની જાળવણી કરે તેવી પદ્ધતિથી સંગ્રહ કરાયેલો જથ્થો પરત કરવા જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer