ભુજમાં મહિલા ચિત્રકાર દ્વારા સર્જાયેલાં ચિત્રોનું પ્રદર્શન

ભુજમાં મહિલા ચિત્રકાર દ્વારા  સર્જાયેલાં ચિત્રોનું પ્રદર્શન
ભુજ, તા. 11 : શાંતિ ફેલાવવાનું સબળ માધ્યમ કળા છે અને પીંછીના લસરકાથી ઘરે ઘરે પહોંચીને કચ્છના અન્ય કલાકારો પણ પોતાની કળા બહાર લાવવા આગળ આવે તેવા ઉદ્દેશથી તા. 12થી 14 દરમ્યાન અહીં ચિત્રોનું પ્રદર્શન-વેચાણનું આયોજન ગોઠવ્યું હોવાનું ચિત્રકાર પંક્તિબેન પાઠકે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. આર્ટ ઓફ લિવિંગના માસ્ટર માઇન્ડ લર્નિંગ લેબ.ના પ્રશિક્ષક અને ચિત્રકાર એવા પંક્તિબેને ઉમેર્યું કે ધો. 9માં હતી ત્યારે વન્ય જીવન પર તૈયાર કરેલાં ચિત્ર માટે ગુજરાત વાઇલ્ડ લાઇફ તરફથી ઇનામ મળ્યું હતું. જે તે સમયે માતૃછાયા કન્યા વિદ્યાલય અને શિક્ષકો તરફથી મળેલા પ્રોત્સાહનથી ચિત્રો બનાવતી પરંતુ કારકિર્દી-અભ્યાસના લીધે વધુ ધ્યાન ન આપી શકી. દોઢેક વર્ષ પૂર્વે દીકરીના જન્મદિવસ માટે પોટ્રેટ બનાવતાં અત્યંત આનંદ અનુભવ્યો અને આથી જ મેં ફરીથી મારી આંતરસ્ફૂરણાથી ચિત્રો બનાવવાના શરૂ કર્યાં. મિરજાપર રોડ સ્થિત બિપિન સોની આર્ટ ગેલેરીમાં તા. 12/10થી 14/10 દરમ્યાન યોજાનારા આ પ્રદર્શનમાં 60થી વધુ ચિત્રો અને 70થી 75 પોટ્રેટ હશે. તા. 12ના સવારે 9.30 વાગ્યે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન થશે. તા. 13/10ના સાંજે 4.30થી 6 દરમ્યાન પ્રત્યક્ષ ચિત્ર?નિદર્શન થશે, જેમાં શાળાનાં બાળકોને સામેલ કરાશે. બિપિનભાઇ સોની, કીર્તિભાઇ પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer