લોટસ કોલોનીના એપાર્ટમેન્ટમાં શરૂ થયેલાં રેસ્ટોરેન્ટ સામે નારાજગી
ભુજ, તા. 11 : શહેરના લોટસ વિસ્તારમાં સતત ધમધમતા અને રહેણાકના મકાનો વચ્ચે વીતેલા 10 દિવસથી શરૂ થયેલાં રેસ્ટોરેન્ટ થકી પદ્મદર્શન એપાર્ટમેન્ટમાં મુશ્કેલીઓ ઊભી થઈ હોવાની ફરિયાદો સુધરાઈ, ફૂડ એન્ડ ડ્રગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતની કચેરીઓમાં કરવામાં આવી, પણ તંત્રો નોટિસો ઠપકારીને સંતોષ માને છે. હજુ એ રેસ્ટોરેન્ટ બંધ કરાવાયું નથી તેવી નારાજગી સાથે ફરિયાદ ઊઠી છે. એપાર્ટમેન્ટમાં બરોબર નવા ચાલુ થયેલાં રેસ્ટોરેન્ટની ઉપર જ વીતેલા દોઢ દાયકાથી વધુ સમયથી રહેતા નીના અલ્કેશ ત્રિવેદી નામના ગૃહિણીએ ફરિયાદ કરી છે કે રેસ્ટોરેન્ટ `ખાને દિ ખુશ્બૂ'ના રસોડાંની ચીમની થકી તેમનું ઘર સતત ગરમ રહે છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી સંદીપસિંહએ સ્થળ નિરીક્ષણ કરી સંબંધિત માલિકનો જવાબ માગ્યો છે. ઔષધ અને નિયમન તંત્રએ તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ પણ નોટિસ આપી છે, પણ નથી ધુમાડો બંધ થતો કે નથી તાપ ઘટતો. તંત્રની તપાસને પગલે ધંધાર્થીએ મકાનની નીચે નાખેલું તંદૂર કાઢીને બહાર રાખ્યું પણ હજુ ગેસના ચૂલા અને સિલિન્ડર જોખમી અવસ્થામાં પડયા છે, જે અકસ્માત સર્જશે તો મોટી નુકસાનીની દહેશત છે. રસોડાંની ગરમીના લીધે તેમના મકાનની ટાઈલ્સ ઉખડી રહી છે અને અંદર ઊભા પણ રહી શકાતું નથી.