વાગડના પ્રાંથળ વિસ્તારમાં પાણીની વિકટ સ્થિતિ

પલાંસવા (તા. રાપર), તા. 11 : વાગડ વિસ્તારના પ્રાંથળના ગામો પાણીની વિકટ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. બેલા સ્થિત આગેવાન તથા એ.પી.એમ.સી.ના વાઈસ ચેરમેન હેતુભા વાઘેલા, લોદ્રાણીના આગેવાન દેશળજી વાઘેલા, તાલુકા પંચાયતના માજી સદસ્ય ધનાભાઈ કોળીએ કહ્યું હતું કે પ્રાંથળ વિસ્તારના બેલા ઉપરાંત વેરસરા, શિરાનીવાંઢ, સુરેલાવાંઢ, વિસાસરવાંઢ, ડોસાવાંઢ, ખદીવાંઢ, કુંભારખડા, હનુમાનવાંઢ સહિતના વિસ્તારમાં હાલે ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે પરંતુ પાણી પુરવઠા તંત્ર દ્વારા એકાએક ટેન્કર બંધ કરી નખાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી પુરવઠાની રાપર સ્થિત કચેરીએ વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત છતાં તેનો કોઈ જ અર્થ સરતો નથી. તો બીજીતરફ હેતુભાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અગાઉ ધબડાથી પાણી આવતું હતું પણ છેલ્લા બે માસથી આ બોરમાંથી પાણી અપાતું બંધ થયું છે. તંત્ર દ્વારા હજુ સુધી નર્મદાના પાણી નથી પહોંચ્યા. જે લાઈન નખાઈ છે તેમાં પ્રેશરથી પાણી છોડાતાં લાઈનો વારંવાર તૂટી જાય છે. અબોલ જીવો ભગવાન ભરોસે સમગ્ર પ્રાંથળ વિસ્તારનું પશુધન હાલે પાણી માટે ભગવાન ભરોસે છે. છેલ્લા વીસ દિવસથી તંત્ર દ્વારા પાણી ન અપાતાં પશુઓ તરસી રહ્યાં છે. પ્રતિનિધિ મંડળ સાથે આવેલા આ આગેવાનોએ પાણી પુરવઠા બોર્ડની રાપર સ્થિત પેટા વિભાગ નં. 1ની કચેરીમાં રૂબરૂ રજૂઆત કરતાં ખુદ નાયબ કાર્યપાલક ઈજનેર એ.ટી. પરીખે જિલ્લા પાણી સમિતિ-ભુજથી જ પશુઓ માટે હવાડામાં પાણી ન આપવાની સૂચના આવી હોવાનું જણાવ્યું હતું. જેથી જિલ્લા પાણી સમિતિની સૂચના બાદ જ પાણી શરૂ કરાશે તેમ ઉમેર્યું હતું. તંત્ર દ્વારા જે લાઈન નખાઈ છે તે ત્રણ ફૂટ સુધી નીચે નખાઈ નથી. અગાઉ પણ બેલાના આગેવાનોએ લાઈનનું કામ બંધ કરાવ્યું હતું. પરંતુ મધ્યસ્થીથી કામ શરૂ કરાયું. પરંતુ લાઈન ઊંડી નખાઈ જેથી તે વારંવાર તૂટી જાય છે. હાલે પણ ત્રણથી ચાર જગ્યાએ લાઈન તૂટેલી છે. પ્રાંથળમાં હિજરતનો ભય દેશનું રખોપું કરતા પ્રાંથળના ગામડાંના માલધારીઓ તથા પશુપાલકો પાણી ન મળવાને કારણે હિજરત કરવા મજબૂર બન્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer