ભુજ તથા પશ્ચિમ કચ્છના જળસંકટને ટાળવા વ્યાયામ

ભુજ તથા પશ્ચિમ કચ્છના જળસંકટને ટાળવા વ્યાયામ
ભુજ, તા. 10 : વરસાદ નથી પડયો ત્યારે આવનારા દિવસોમાં ખાસ કરીને જિલ્લા મથક ભુજ ઉપરાંત પશ્ચિમ કચ્છ, બન્ની વિસ્તારમાં પીવાનાં પાણીની ખેંચ ઊભી થવાની છે તેની સામે ધરપત આપતા સમાચાર મળ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છમાં અછતની જાહેરાત કરી સાથે પેયજળની વ્યવસ્થા સુધારવા રૂા. 296 કરોડની ધનરાશી તાત્કાલિક અસરથી ફાળવી?છે, તેમાંથી અંજાર-કુકમા વચ્ચે નવી પાઇપલાઇન પાથરવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે. દુકાળના ડાકલા વાગી ચૂક્યા છે ત્યારે અત્યારે તો હજુ શરૂઆત છે. ઉનાળો ભારે કઠિન હશે તેવી ભીતિ પાણીની કાયમી અછત ભોગવતા અબડાસા અને લખપત તાલુકાના લોકોને સતાવી રહી છે. કારણ કે અત્યાર સુધી અહીં નર્મદાના માત્ર પાઇપ પથરાયા છે. નર્મદાનું પીવાનું પાણી હજુ નસીબ થયું નથી. કારણ કે પૂર્વ કચ્છમાંથી પીવાનું પાણી આવે છે જેને છેવાડાના લખપત અને અબડાસાના ગામો સુધી પહોંચાડવા ખુદ પાણી પુરવઠા બોર્ડને નાકે દમ આવી જાય છે. અત્યાર સુધી તો નસીબ જોગ અબડાસામાં મીઠી અને લખપતના ગોધાતડ ડેમમાં પાણીનો જથ્થો હોવાથી આ બંને જળાશયોમાંથી પીવાનાં પાણીની વિતરણ વ્યવસ્થા ગોઠવાયેલી હતી. હવે તો આ બંને ડેમમાં પાણી મળશે નહીં એવા સંજોગોમાં વર્તમાન 280 એમએલડી પાણીની સામે જરૂરિયાત વધી જવાની છે તેવી ચિંતા સેવતા પાણી પુરવઠા બોર્ડ અને ખુદ નર્મદા નિગમે પણ તેને પહોંચી વળવા કમર કસી છે. નર્મદા નિગમના મેનેજર સી. બી. ઝાલાનો સંપર્ક સાધતાં તેમણે પણ કબૂલ્યું હતું કે, વર્તમાન પાઇપલાઇનના માળખાંમાંથી અબડાસા-લખપત સુધી પીવાનું પાણી પહોંચાડવું થોડું કઠિન છે. એટલે જ અંજારથી કુકમા વચ્ચે 28 કિ.મી. સુધીની નવી વધારાની પાઇપલાઇન નાખવામાં આવશે અને જે 7 કિ.મી. પાઇપલાઇન લીકેજ થાય છે તેને પણ બદલવામાં આવશે. અંદાજિત રૂા. 80 કરોડના ખર્ચે નવી પાઇપલાઇનના કામના ટેન્ડર એક સપ્તાહમાં બહાર પડશે એમ તેમણે જણાવ્યું હતું. સવા ચાર ફૂટના વ્યાસવાળી નવી પાઇપલાઇન નાખવામાં આવતા અત્યારે જે લાઇન છે તેની વહન શકિત 90 એમએલડીની છે. તેની સમાંતર બીજી પાઇપલાઇન નાખી દેવાતાં વધુ 90 એમ.એલ.ડી. પાણી લાવી શકાશે. ભુજ અને પશ્ચિમ કચ્છ ઉપરાંત બન્ની વિસ્તારમાં પેયજળ પહોંચાડવાની 90 એમએલડીની વ્યવસ્થા છે તે વધારવાનું આયોજન છે. એ વાતમાં સૂર પુરાવતાં પાણી પુરવઠાના અધીક્ષક ઇજનેર એલ. જે. ફફલે જણાવ્યું હતું કે, વિતરણ વ્યવસ્થા વધે તો જ જે ખાધ પડવાની છે તે પૂરી કરી શકાય. આ વિસ્તારમાં ટપ્પર ડેમમાંથી પાણી પમ્પીંગ કરવામાં આવે છે. અત્યારે 90 એમએલડી જે પાણી વિતરણ કરવામાં આવે છે તેના સ્થાને ટપ્પર ડેમમાં નવા પમ્પીંગ મશીન બેસાડવામાં આવે છે, કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. નવા પમ્પીંગ મશીન લાગી જવાથી ટપ્પર ડેમમાંથી 140 એમએલડી પાણીનો જથ્થો રોજ પમ્પીંગ કરીને ભુજ ઉપરાંત પશ્ચિમ કચ્છમાં વિતરીત કરવામાં આવશે. વિશેષમાં જે માળિયાથી પાઇપલાઇન વાટે પાણી આવે છે તે પણ 180 એમએલડી થઇ જશે જેથી કચ્છની જરૂરિયાત પ્રમાણે પૂરતો પેયજળનો જથ્થો મળી રહે એ દિશામાં યુદ્ધના ધોરણે કામ કરવામાં આવશે તેવી આ બંને અધિકારીઓએ ધરપત આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer