વર્ધમાનનગરમાં બે ઘરમાંથી 2.98 લાખની ચોરી

વર્ધમાનનગરમાં બે ઘરમાંથી 2.98 લાખની ચોરી
ભુજ, તા. 10 : ભુજ-અંજાર ધોરીમાર્ગ ઉપર તાલુકામાં ભુજોડી ગામ નજીક ધરતીકંપ બાદ અસ્તિત્વમાં આવેલી જૈનોની રહેણાંક વસાહત વર્ધમાનનગર ખાતે જુદા જુદા બે બંધ મકાનના તાળાં તોડીને રૂા. 2.98 લાખની માલમતાની તસ્કરી થતાં સનસનાટી મચી ગઇ છે. આ પ્રકરણમાં ચોરીનો ખરેખરો આંક બતાવાયા કરતાં પોણા બે ગણો હોવાની ચર્ચા વચ્ચે આ કિસ્સાથી કાયદાના રક્ષકો સામે જબ્બર પડકાર ઊભો થયો છે. બહાર આવેલી વિગતો અનુસાર વર્ધમાનનગર અરિહંત સોસાયટી ખાતે રહેતા મનોરમાબેન જયોતિપ્રકાશ ગલાલચંદ મહેતા તથા મૂળજીભાઇ આધાભાઇ સુથારના બંધ રહેણાંકના મકાનો આ કિસ્સામાં તસ્કરોનું નિશાન બન્યા છે. આ બન્ને બંધ મકાનના તાળાં તોડી અંદર ઘૂસ્યા બાદ કોઇ હરામખોરોએ રૂા. 2.98 લાખની માલમતા તફડાવી હતી. આજે સવારે આ કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ જબ્બર દોડધામ મચી ગઇ હતી. પોલીસ સૂત્રોએ આ બાબતે લખાવાયેલી ફરિયાદને કેન્દ્રમાં રાખીને વિગતો આપતાં જણાવ્યું હતું કે ઘરમાલિક મનોરમાબેન મહેતાના પરિવારજનો ઘરને તાળું મારીને ગત સોમવારે રાત્રે વડોદરા ગયા હતા. આજે સવારે તેઓ પરત આવ્યા ત્યારે ઘરના તૂટેલા તાળાં અને બારશાખ જોઇને ચોરી થયાનું માલુમ પડયું હતું. તો નજીકમાં જ આવેલા મૂળજીભાઇ સુથારના ઘરને પણ આ જ મકાનની સાથે નિશાન બનાવાયું હોવાનું ખુલ્યું હતું. બન્ને મકાનના તાળાં તોડયા બાદ અંદર ઘૂસેલા તસ્કરોએ વિવિધ ઓરડાના કબાટો અને અન્ય ઘરવખરીને ફેંદી નાખી હતી. મનોરમાબેનના ઘરમાંથી બે લાખ રૂપિયા રોકડા અને સોનાચાંદીના દાગીના જ્યારે મૂળજીભાઇને ત્યાંથી રૂા. સાત હજારની કિંમતની સોનાની બુટી મળી કુલ્લ રૂા. 2.98 લાખની માલમતા ઉઠાવી જવાઇ હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. દરમ્યાન આજે સવારે ચોરીની ઘટના પ્રકાશમાં આવી ત્યારે વસાહતના અગ્રણીઓ દીપક મહેતા, અશોક મહેતા, પ્રબોધ મુનવર, શૈલેશભાઇ વગેરે સ્થાનિકે દોડી ગયા હતા. સ્થિતિના જાતનિરીક્ષણ બાદ તેમણે ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકને જાણ કરતાં પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને છાનબીનમાં પરોવાઇ હતી. બીજીબાજુ સ્થાનિકેથી જાણવા મળેલી વિગતો અનુસાર તસ્કરીના આ બનાવમાં ચોરાઉ માલમતાનો આંક ખરેખર ફરિયાદમાં બતાવાયા કરતાં મોટો છે. એકલા મનોરમાબેનને ત્યાંથી પાંચેક લાખની માલમતા ગયાનું ચર્ચાઇ રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer