મૈયા કા આશિષ હૈ ! કોઇ યહાં સે ખાલી હાથ નહીં જાતા

મૈયા કા આશિષ હૈ ! કોઇ યહાં સે ખાલી હાથ નહીં જાતા
ગિરીશ એલ. જોશી દ્વારા માતાના મઢ (તા. લખપત), તા. 10 : ઘટસ્થાપન સાથે કચ્છ ધણિયાણી મા આશાપુરાના મઢ સ્થિત મંદિરે ભાવિકોનો ભારે મોટો પ્રવાહ ઠલવાઇ રહ્યો છે. શ્રદ્ધા અને ભક્તિના આધારે ડગ માંડીને આગળ વધતા પદયાત્રીઓ, દર્શનાર્થીઓ ઉપરાંત આ કચ્છના સૌથી લાંબા ચાલતા નવરાત્રિ મેળામાં બે પૈસા કમાવાની ઇચ્છાએ ઠેઠ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના અનેકવિધ વેપારીઓ પણ પોતપોતાના સાજ સજાવીને મોટા કાફલા સાથે ઊતરી પડયા છે. પરિણામે વધુ એક વખત માતાનો મઢ ખૂબ નાનો અને અનેક ઓછી સુવિધાવાળો ભાસી રહ્યો છે. આશ્વિન નવરાત્રિ પૂર્વે જ માતાના મઢમાં ભાવિકોનો પ્રવાહ શ્રાદ્ધ પક્ષથી જ શરૂ થઇ જાય છે અને પહેલા નોરતાં સુધીમાં અંદાજે બે લાખ ભક્તો તો દર્શન કરીને પરત રવાના સુદ્ધાં થઇ ગયા હોવાથી માનવમહેરામણની દૃષ્ટિએ સૌથી વધુ સમય સુધી અર્થાત શ્રાદ્ધ પક્ષની દશમથી લગભગ શરદ પૂર્ણિમા સુધી ચાલતા મેળા માટે કુલ્લ 170 પ્લોટ માતાના મઢ ગ્રામ પંચાયતે ફાળવ્યા છે. ચો. ફૂટનો ભાવ ગત વર્ષ કરતાં 30 ટકા વધુ રાખી રૂા. 100 રખાયા છે. નાનો પ્લોટ  3000 અને મોટો પ્લોટ 6000માં દસ દિવસ માટે પડે છે. આ નવરાત્રિના મેળા માટે વેપારી તરીકે આવેલા રાજકોટના સુનીલ રાઠોડ કહે છે કે દોઢ દાયકાથી તેઓ નવરાત્રિના આ મેળામાં બેંગ્લ્સનો સ્ટોર લગાવે છે. આ વખતે મોટા યક્ષદેવના મેળામાં ધંધો ખૂબ ઓછો મળ્યો તેથી હાલે કમાણીનો આધાર આશાપુરા માતાજી પર છે. ઉત્તરપ્રદેશથી છેલ્લા આઠ વર્ષથી માતાના મઢ આવતા ગુલામ શેખ રમકડાંનો કારોબાર ધરાવે છે. તેઓ કહે છે કે, ગુજરાતમાં તમામ મોટા મેળામાં જાઉં છું. તરણેતર, અંબાજી પછી માતાના મઢનો આ મેળો આવે, અહીં હું પાંચ સ્ટોલ લગાવું છું... મૈયા કા આશિષ હૈ, યહાં સે ખાલી હાથ નહીં જાતા... માતાના મઢે પદયાત્રા કરીને આવતા ભાવિકો જે રીતે પોતાની સફરનાં વર્ષો ગૌરવથી ગણે છે એ જ રીતે અહીં આવતા વેપારીઓ પણ ગર્વથી કહે છે, જેમ કે કમલભાઇ નોમ નામના વેપારી કહે છે, તે 20 વર્ષથી મઢ આવે છે. તમારા ચાર સરપંચ મેં જોયા છે. મારી પાસે 20 વર્ષની ગ્રા.પં.ની રસીદો છે. ગુજરાતભરના મેળા ફરતાં ફરતાં અહીં આવું છું અને અહીં માલ ખતમ કરીને જાઉં છું. જ્યાં સુધી માલ ન વેચાય રોકાઇ જાઉં છું. લાભપાંચમ સુધી અહીં જ રોકાવાના દાખલા છે. ધંધો, વેપાર, દર્શન તો દર વર્ષે થાય પણ ઉત્તરપ્રદેશના વિજય ગુપ્તા નામના વેપારી તો છેલ્લા છ વર્ષથી માતાના મઢને જ કર્મભૂમિ બનાવી કાયમી વસવાટ શરૂ કર્યો છે. કંકુનો કારોબાર કરતા શ્રી ગુપ્તા કહે છે કે સુહાગ ચિહ્ન અને માને પ્રિય એવું કંકુ વેચવા દુકાન ભાડેથી લઇ લીધી છે. મેળામાં પાંચ દુકાન છે એમની. તેઓ માતાના મઢ વેપારી એસો.ના સભ્ય છે. ઉલ્લેખનીય છે કે માતાના મઢમાં ઉત્તરપ્રદેશના પાંચ વેપારીઓનો કાયમી વસવાટ છે. અરે, એક જણે તો જિગર પંડયા નામના યુવાનને પોતાની દીકરી પરણાવી છે. શ્રી પંડયા હિંગલાજ મંદિરના પૂજારી છે. એક તરફ મઢના મેળામાં આંતર રાજ્યના વેપારીઓ ધંધો કરવા પહોંચે છે તો બીજી તરફ વ્યવસ્થાના ભાગરૂપે ગેટ બંધ કરાતાં માતાના મઢની મુખ્ય બજારમાં મંદીનો માહોલ છે. ઇશબઅલી નામના સ્થાનિક વેપારીનું કહેવું છે કે એન્કરવાલા ગેટ ખુલ્લો હતો પણ એકાએક બંધ કરાતાં હવે આશાપુરા મા બાદ હિંગલાજ માતાજીએ દર્શન કરવા ઇચ્છતા ભાવિકોને મોટો ફેરો ખાવો પડે છે. આખી બજારમાં વેપાર ધંધો બરોબર ભરસિઝનમાં જ ઘટી જાય છે. જો એન્કરવાલા પ્રવેશદ્વાર નિકાસી પ્રવેશદ્વાર તરીકે ચાલુ રખાય તો બજારમાં ગ્રાહકોની રોનક વર્તાય. આ માર્ગે ભાવિકો બહાર આવે તો અંદર પણ ગિરદી ઓછી થાય. શનિ-રવિ સુધી ગેટ ખુલ્લો હતો અને ખૂબ ઘરાકી હતી તેવું નિતેષ ગાંધી નામના વેપારીએ જણાવ્યું અને ગેટ ખોલવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ મંદિરમાં દર્શન માટે ગેટ નંબર 4થી પ્રવેશ અપાય છે. ગેટ નં. 2 અને ત્રણમાંથી ભાવિકો બહાર આવે છે અને મુખ્ય પ્રવેશદ્વાર એવું ગેટ નં. 1 પોલીસે તથા સ્થાનિક તંત્રએ સુરક્ષાના કારણોસર બંધ રાખ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer