ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં આઇ.સી.યુ. વિભાગ માટે નારાણપરના દાતા પરિવારે એક કરોડનું દાન આપ્યું

ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં આઇ.સી.યુ. વિભાગ માટે  નારાણપરના દાતા પરિવારે એક કરોડનું દાન આપ્યું
કેરા (તા. ભુજ), તા. 10 : જિલ્લાનું મધ્યવર્તી આરોગ્ય કેન્દ્ર બની ચૂકેલ ભુજ સ્થિત માતુશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં દસ પથારીની વધુ સગવડયુક્ત મેડિકલ આઇ.સી.યુ.ના નિર્માણ માટે નામકરણ દાતા વેલબાઇ ધનજી વરસાણી પરિવારે એક કરોડ રૂપિયાની માતબર રકમનો ચેક બુધવારે સમાજને અર્પણ કર્યો હતો. ટ્રસ્ટે દાતા પરિવારનો આભાર માન્યો હતો. ભુજ સ્થિત લેવા પટેલ હોસ્પિટલના વિસ્તૃતીકરણના આરંભાયેલા કાર્યમાં આઇ.સી.યુ. વિભાગ માટે નારાણપરની આફ્રિકા સ્થિત કરશન રામજી એન્ડ સન્સ કંપનીના સ્થાપક જાણીતા ગૌસેવક અને કચ્છી દાનવીર ધનજીભાઇ કરશન વરસાણી `દરબાર'એ એક કરોડની સખાવત કરી હતી. તેમના પુત્ર કિશોરભાઇ વરસાણીના હસ્તે દાનનો ચેક સમાજ પ્રમુખ હરિભાઇ કેશરા હાલાઇ, એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, હોસ્પિટલની જવાબદારી સંભાળતા ડો. જે. કે. દબાસિયાએ ત્રણેય પાંખોના કારોબારી સભ્યો પૈકીનાની હાજરીમાં સ્વીકાર્યો હતો. `શ્રીમતી વેલબાઇ ધનજી વરસાણી મેડિકલ આઇ.સી.યુ.' નામકરણ સાથે હિનાબેન હરીશ વરસાણી, પ્રભાબેન કિશોર વરસાણી, જશુબેન કુંવરજી આસાણી, કસ્તૂરબેન આશિષ હાલાઇ સમગ્ર પુત્ર-પુત્રી પરિવારે કચ્છીઓની આરોગ્ય સેવામાં નિર્ણાયક વધારો કરવા દાન આપ્યું હતું. આ પરિવાર દ્વારા વિવિધ ક્ષેત્રે મોટી સેવા હોવાનું દાતા પ્રેરક એવા ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા, પૂર્વાધ્યક્ષ અરજણભાઇ પિંડોરિયાએ જણાવી સમાજ વતી આભાર માન્યો હતો. ઉપપ્રમુખ કે. કે. હીરાણી, મંત્રીઓ કેશરાભાઇ પિંડોરિયા, રામજી સેંઘાણી, રમેશભાઇ હાલાઇ, મનજી પિંડોરિયા, વિરમ રાબડિયા, નેફ્રોલોજિસ્ટ ડો. વોરા, વસંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. દાતા પરિવારે સમાજના આગામી આયોજનોમાં વિશ્વાસ વ્યક્ત કરતાં વધુ સહયોગની ખાતરી આપી વર્તમાન કાર્યકરોને આગળ વધવાનું જોમ પૂરું પાડયું હતું. ચોવીસીના સંબંધિત વર્તુળોએ દાતા પરિવારની ભાવનાને બિરદાવી હતી. નૂતન આઇ.સી.યુ. વધુ મેડિકલ ઉપકરણ ધરાવતું હશે જે આગામી ડિસેમ્બરના અંત સુધીમાં સેવારત કરાશે જેના લીધે હાલ દર્દીઓને ભોગવવી પડતી હાલાકીમાં રાહત થશે તેવું ટ્રસ્ટે એક યાદીમાં જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer