કાલે નિરોણા આવતા કેન્દ્રીય મંત્રીનો કરણીસેના કરશે વિરોધ

કાલે નિરોણા આવતા કેન્દ્રીય  મંત્રીનો કરણીસેના કરશે વિરોધ
નિરોણા (પાવરપટ્ટી), તા. 10 : કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિબેન ઇરાની આવતીકાલે 12મીએ પાવરપટ્ટીના નિરોણા ગામે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવા આવી રહ્યા છે. હસ્તકલા ક્ષેત્રે પ્રસિદ્ધિ પામેલા આ ગામને કેન્દ્રીયમંત્રી સાંસદ આદર્શ ગામ તરીકે સ્વીકાર્યા પછી આ ગામની પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે. આદર્શ ગામ યોજના અંતર્ગત પ્રથમ તબક્કે મંજૂર કરવામાં આવેલા રૂપિયા 1 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત મંત્રી કરશે. ગામની કાંજિયણી વાડી ખાતે સવારે 10 વાગ્યે યોજાનારા મુખ્ય સત્કાર સમારંભની તૈયારીઓ થઇ રહી છે. ગામના રસ્તાઓ શેરી-ગલ્લીઓની પણ છેલ્લા બે-ત્રણ દિવસથી સાફ-સફાઇ કરવામાં આવી રહી છે. દરમ્યાન પદ્માવત ફિલ્મ પ્રદર્શિત કરવાના મામલે સ્મૃતિબેન ઇરાનીએ આપેલા નિવેદનોને લઇ દેશની કરણીસેના ભારે નારાજ છે. તેઓ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કચ્છ કરણીસેના કાળા વાવટા સાથે વિરોધ પ્રદર્શિત કરશે તેવું કચ્છ કરણીસેના ઉપાધ્યક્ષ માધુભા જાડેજાએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer