હાલારી ગધેડાં, કાહમી બકરી અને પાંચાલી ઘેટાંની ઓલાદોને મળી રાષ્ટ્રીય માન્યતા

હાલારી ગધેડાં, કાહમી બકરી અને પાંચાલી  ઘેટાંની ઓલાદોને મળી રાષ્ટ્રીય માન્યતા
ભુજ, તા. 10 : તાજેતરમાં ગુજરાતની બન્ની ભેંસ, ખારાઇ ઊંટ, કચ્છી-સિન્ધી ઘોડા સહિતની 3 નવી જાતોને રાષ્ટ્રીય માન્યતા મળ્યા પછી, ટૂંક સમયમાં જ અન્ય નવી 3 ઓલાદો કાહમી બકરી, પાંચાલી (ડુમ્મા) ઘેટાં અને હાલારી ગધેડાંને નવી ઓલાદ તરીકે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા નવી ઓલાદ તરીકે માન્યતા આપવામાં આવી છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા હમણાં જ દેશની 14 નવી ઓલાદોની માન્યતા થઈ, તે સાથે ભારતમાં હવે માન્યતા પ્રાપ્ત પશુ ઓલાદોની સંખ્યા કુલ 183 થઈ છે. પાંચાલી ઘેટાં જે સ્થાનિકે ડુમ્મા ઘેટાં તરીકે પણ ઓળખાય છે, જે સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, દ્વારિકા, જામગનર અમરેલી વિગેરે જિલ્લાઓમાં જોવા મળે છે. સુરેન્દ્રનગરનો પાંચાળ વિસ્તાર પાંચાલી ઘેટાં માટે બ્રિડિંગ ટ્રેક હોવાથી તે પાંચાલી તરીકે પણ ઓળખાય છે. સમગ્ર ગુજરાતમાં ડુમ્મા ઘેટાંની સંખ્યા 80 હજાર જેટલી છે. કાહમી બકરી જે મુખ્યત્વે જામનગર, જૂનાગઢ, રાજકોટ અને દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં જોવા મળે છે. કાહમી બકરી ગુજરાતમાં જોવા મળતી કચ્છી, મહેસાણી, સુરતી, ઝાલાવાડી અને ગોહિલવાડી જેવી માન્યતા પ્રાપ્ત ઓલાદોથી તદ્દન ભિન્ન છે. જૂનાગઢના નાનાભાઈ ભરવાડ અને મોટાભાઈ ભરવાડ કાહમી બકરીનો ઉછેર કરે છે. સહજીવન દ્વારા થયેલા અભ્યાસ મુજબ કાહમી બકરીની સંખ્યા સાત હજાર જેટલી છે. કાહમી બકરીનું સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન બેથી સવા બે લિટર જેટલુ હોય છે, જ્યારે એક વેતરનું દૂધ ઉત્પાદન 3રપ લિટર જેટલું હોય છે. કાહમી માદા બકરીનું સરેરાશ વજન 47 કિલો જ્યારે નરનું સરેરાશ વજન પ7 કિલો જેટલું હોય છે. હાલારી ગધેડાં જે જામનગર જિલ્લામાં આવેલા હાલાર પંથકમાં તેનું પ્રજનન થતું હોઈ તે હાલારી તરીકે ઓળખાય છે. આ ગધેડા રંગે સંપૂર્ણ સફેદ હોય છે, હાલારી ગધેડાને પણ રાષ્ટ્રીય માન્યતા મળતાં દેશમાં તે ગધેડાની બીજી ઓલાદ તરીકે માન્યતા મેળવી છે. ભારત ઉપરાંત વિશ્વમાં જોવા મળતી ગધેડાની આશરે 178 જેટલી ઓલાદોમાંથી હાલારી સૌથી વિશિષ્ટ અને અલગ તરી આવે આવે છે. ભુજની સહજીવન સંસ્થા દ્વારા બે વરસ સુધી આ ત્રણે ઓલાદોનો વિસ્તૃત અભ્યાસ કરીને બ્રિડ પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય દેશમાં એકમાત્ર એવો રાજ્ય છે, જેણે રાજ્યની દેશી પશુ ઓલાદોના રજિસ્ટ્રેશન માટે ખાસ કાર્યક્રમ અમલમાં મૂકીને માત્ર પાંચ વરસના સમયગાળામાં રાજ્યની આઠ નવી ઓલાદો શોધી કાઢી છે તેવું રાજ્યના પશુપાલન નિયામક ડો. એ.જે. કાછિયા પટેલ અને સહજીવનના પ્રોગ્રામ ડાયરેકટર રમેશ ભટ્ટીની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer