ઘડુલી-સાંતલપુર બનશે રાષ્ટ્રીય ધોરીમાર્ગ

ગાંધીધામ, તા. 10 : કચ્છના ઘડુલી અને પાડોશી સાંતલપુરને જોડતા રાજ્ય ધોરીમાર્ગને હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવવા નિર્ણય કરાયો છે. આ માર્ગ રૂા. 401 કરોડના ખર્ચે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ બનાવશે તેવા હેવાલ સાંપડી રહ્યા છે. આ જિલ્લાના ઘડુલી તથા પાડોશના સાંતલપુરને જોડવા માટે રાજ્ય ધોરીમાર્ગ દ્વારા માર્ગનું નિર્માણ કરાતું હતું. રાજ્ય ધોરીમાર્ગ વિભાગે અમુક હદ સુધી આ માર્ગનું નિર્માણ પણ કર્યું છે. પરંતુ હવે આ માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગને સોંપવામાં આવ્યો છે. અહીંયા હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ રૂા. 401 કરોડના ખર્ચે ધોરીમાર્ગ બનાવશે. આ માર્ગને 754-કે નામ આપવામાં આવ્યું હોવાનું આ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ આ માર્ગ ઘડુલી અને સાંતલપુર વચ્ચેનો સેતુ હતો, પરંતુ હવે લખપત, ઘડુલી, હાજીપીર, ખાવડા, ધોળાવીરા, મૌવાણા થઇને સાંતલપુરને જોડશે તેવું જાણવા મળ્યું હતું. આ અંગે નિર્ણય લેવાઇ ગયો છે. ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્ય ધોરીમાર્ગ વિભાગ પાસેથી તમામ વિગતો હસ્તાંતરિત કરીને ટૂંક સમયમાં આ માર્ગનું કામ શરૂ કરી દેવામાં આવશે.આ માર્ગના કારણે માલ પરિવહન સહિતની સુવિધાઓમાં વધારો થશે તેવું જાણકારો કહી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer