પૂર્વ ધારાસભ્યોને પણ નિર્વાહ ભથ્થું આપવા માટે માંગ ઊઠી

ભુજ, તા. 10 : તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં વર્તમાન ધારાસર્ભ્યા પગાર-ભથ્થામાં વધારો કરવાનું વિધેયક મંજૂર કરી દેવાયું છે, ત્યારે આર્થિક સંકટમાં જીવતા પૂર્વ ધારાસભ્યો માટે નિર્વાહ ભથ્થાં જેવી વ્યવસ્થાની માંગ પણ ઊઠી છે. ગુજરાત એક્સ એમએલએ કાઉન્સિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ અંગે લેખિત રજૂઆત કરતાં માગણી નહીં સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચેતવણી આપી છે. રાજ્યોના પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલના અધ્યક્ષ બાબુભાઈ મેઘજી શાહે મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, માજી જનપ્રતિનિધિઓએ પગાર ભથ્થાં સાવ નહીવત હતા ત્યારે ધારાસભ્ય તરીકે લોકસેવામાં પ્રદાન કર્યું છે. વર્ષોથી વિધાનસભામાં મંજૂર થઈ ગયેલું પૂર્વ ધારાસભ્યોનું પેન્શન બિલ પણ અભેરાઈએ ચઢી ગયું હોવાથી આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા એ તમામ પૂર્વ ધારાસભ્યોના મનમાં ભારે કચવાટ છે તેવું નાણાંપ્રધાન પણ રહી ચૂકેલા શ્રી શાહ નોંધે છે. વર્તમાન ધારાસભ્યોના પગાર ભથ્થાંની માંગ સર્વાનુમતે મંજૂર થતી હોય તો હવે રાજ્યની જનતાનો લોકમત અમારી માગણી વિરુદ્ધ છે તેવો તર્ક રજૂ નહીં કરો તેવો વિશ્વાસ છે તેવું તેમણે રૂપાણીને પત્રમાં જણાવ્યું હતું. એક વખતે જનપ્રતિનિધિઓના પગાર વધારાથી જનતા પર ખરાબ અસર પડશે તેવો મત વ્યક્ત કરાયો હતો. પરંતુ આજે વધ્યા છે, ત્યારે વિધાનસભાના પૂર્વ સભ્યોના હિતમાં વિના વિલંબે માંગ સ્વીકારવાની અપીલ કરી છે. વિપક્ષી નેતા પરેશ ધનાણીને પણ આ અંગે રજૂઆત કરાઈ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer