આજે વનડે ટીમની પસંદગી

નવી દિલ્હી, તા. 10 : ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનારી પ વનડેની સિરીઝ માટે ગુરુવારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની પસંદગી થશે ત્યારે સહુની નજર એ વાત પર રહેશે કે ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા પૂર્વ સુકાની એમ.એસ. ધોનીના વિકલ્પરૂપે યુવા વિકેટકીપર ઋષભ પંતને પસંદ કરવામાં આવે છે કે નહીં. હજુ સુધી એ નક્કી નથી થયું કે ટીમ પસંદગી પહેલી ત્રણ મેચ માટે હશે કે પછી પૂરી સિરીઝ માટે. સુકાની વિરાટ કોહલીને આ વખતે પૂરી શ્રેણીમાં વિશ્રામ આપવામાં આવે તેવી સંભાવના ઘણી ઓછી છે. ધોનીની વિકેટકીપિંગ તો જોરદાર છે પણ તેની બેટિંગની ધાર પહેલાં જેવી રહી નથી. આથી તેના કવર માટે યુવા ઋષભ પંતને 1પ ખેલાડીમાં સ્થાન મળી શકે છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું કે, બધાને એ તો ખબર છે કે ધોની વિશ્વકપ સુધી રમવાનો છે. બીજી તરફ, પંતને પણ મોકા આપવામાં કોઇ નુકસાન નથી. તે છઠ્ઠા કે સાતમા નંબર પરનો શાનદાર બેટધર છે. હાલ તે શાનદાર ફોર્મમાં પણ છે. ઓવલમાં શાનદાર સદી બાદ રાજકોટ ટેસ્ટમાં તેણે 92 રનની ઇનિંગ્સ રમી હતી. કેદાર જાધવ હજુ ઇજાગ્રસ્ત છે. આથી અંબાતી રાયડુને તક મળવી નિશ્ચિત છે. રવીન્દ્ર જાડેજા પણ ફરી વનડે ટીમમાં પસંદ થશે. બુમરાહ અને ભુવનેશ્વરની વાપસી નિશ્ચિત છે. ખાસ કરીને મધ્યક્રમમાં કયા બેટધરોને સ્થાન આપવું તેના પર બેઠકમાં સારી ચર્ચા થઇ શકે છે. તે માટે કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, મયંક અગ્રવાલ, સુરેશ રૈના અને અજિંક્ય રહાણે હરીફાઇમાં છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer