અડચણો ઉકેલાય તો નિરોણા આદર્શ ગામ બને

અડચણો ઉકેલાય તો નિરોણા આદર્શ ગામ બને
બાબુ માતંગ દ્વારા  નિરોણા (પાવરપટ્ટી), તા. 10 : રાજાશાહી વખતમાં પાવરપટ્ટી (પોંવાર પટ્ટ) તરીકે જાણીતું પરગણુ ખેતી, દૂધ ઉત્પાદન, કલા-કસબ, શિલ્પ સ્થાપત્ય અને ભાટિયા મહાજનોની ઉદાર સખાવતોથી સમૃદ્ધ હતું. વિસ્તારનું મુખ્ય ગામ ગણાતું નિરોણાની જાહોજલાલી સારા કચ્છ મુલકમાં વખણાતી. ગામ વૈવિધ્યસભર કલા-કસબથી જેટલું જૂના જમાનામાં જાણીતું હતું એનાથી અનેકગણું પ્રખ્યાત વર્તમાન સમયમાં બન્યું છે અને એટલે જ ગામને કલાની પંચતીર્થીની ઉપમા આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિબેન જુબીન?ઇરાનીએ ગામને આદર્શ ગામ નિર્માણ કરવાની સંકલ્પના સાથે આવતીકાલ 12મી ઓક્ટો.ના ગામની પ્રથમ મુલાકાત લઇ રહ્યા છે ત્યારે ગામના વિકાસ આડે વરસો જૂની અડચણો દૂર કરવા ગ્રામજનો મોટી આશ સાથે અપેક્ષા રાખી રહ્યા છે. હસ્તકલા કેન્દ્રનું નિર્માણ ક્યારે ? સમગ્ર રાજ્યમાં વૈવિધ્યસભર કસબ ક્ષેત્રે પ્રખ્યાત આ ગામ પ્રવાસન ઉદ્યોગ માટે છેલ્લા એકાદ દાયકાથી ભારે હરણફાળ ભરી રહ્યું છે. રણોત્સવને પગલે દિવાળી પછી શિયાળાની મોસમમાં અહીં આવતા હજારોની સંખ્યામાં દેશી-વિદેશી સહેલાણીઓને કલા નિદર્શન માટે સરળતા રહે તે માટે ગામના વતની અને ગુજરાત પ્રવાસન નિગમના ડાયરેક્ટર કેશુભાઇ પટેલે અહીં હસ્તકલા કેન્દ્રના નિર્માણ માટે વરસોથી આદરેલા પ્રયત્નોને સફળતા સાંપડી છે. એટલું જ નહીં ચાલુ સાલે રૂા. 4.36 કરોડની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે. અંદાજે ત્રણ એકરના વિસ્તારમાં નિર્માણ થનાર આ હસ્તકલા કેન્દ્ર આર્ટ ગેલેરી, વર્કશેડ અને ક્રાફ્ટ શોપ એમ ત્રણ વિભાગોમાં વિભાજિત કરી પંચાયત હસ્તકની જમીનની ફાળવણી પણ કરવામાં આવી છે. કેન્દ્રના નિર્માણ માટે ડાયરેક્ટર ઉપરાંત નિગમના કમિશનર એન. શ્રીવાસ્તવ પણ ગામની મુલાકાત લઇ ચૂક્યા છે. ઓનલાઇન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાયા છતાં આજ સુધી આ મહત્ત્વાકાંક્ષી ક્રાફ્ટ પ્રોજેક્ટનો શુભારંભ ન થતાં ગામના કારીગરોમાં હતાશા ફેલાઇ છે, તો હસ્તગત જમીન પણ ઘસાઇ રહી છે. નર્મદાનાં નીર જરૂરી વિસ્તારની દક્ષિણે ડુંગરોની હારમાળાના પગલે જળસંચયનની પ્રવૃત્તિને ભારે અવકાશ હોઇ પંથકમાં વરસો અગાઉ રૂદ્રમાતા, કાયલા, નિરોણા અને ભૂખી જેવા ડેમો બનાવી સિંચાઇની સુવિધા ઊભી કરવામાં આવી છે પરંતુ અનિયમિત વરસાદને પગલે ડેમો ખાલીખમ જોવા મળે છે. 50 કિ.મી.ના સમાંતર પટ્ટામાં સમાવિષ્ટ આ ચારે ડેમોને નર્મદાનાં નીરથી ભરવામાં આવે તો આ ગામ જ નહીં સમગ્ર પંથકની સિકલ બદલી શકે છે. ગૌચર જમીન દબાણ ભૂકંપ બાદ કચ્છમાં જમીનોના ભાવ ઉછળતાંની સાથે આ પંચાયતની મોટાભાગની ગૌચર જમીન દબાણકારોને તાબે થઇ જતાં ગામના 9000 જેટલા પશુઓ માટે ચરિયાણનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. દબાણકારોએ હદ વટાવી સીમાડામાં આવવા-જવાના રસ્તાઓ પણ બંધ કરી દીધા છે.  પ્રા. આરોગ્ય કેન્દ્ર 30થી 35 ગામોને સાંકળતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો આપવામાં આવે તો પીવાનાં પાણીની કાયમી સમસ્યા હલ કરવા નજીકની બન્ની પાણી પુરવઠા યોજના સાથે ગામને સાંકળી નર્મદાનાં જળ પહોંચાડવામાં આવે ઉપરાંત વિસ્તારમાં શિક્ષણનું પણ કેન્દ્ર ગણાતા આ ગામમાં એસ.એસ.સી. પરીક્ષાના કેન્દ્રની મંજૂરી જેવી અનેક ખૂટતી કડીઓ સત્વરે પૂરી કરવામાં આવે તો આદર્શ  ગામ વધુ ઊજળું બની શકે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer