મોબાઇલ ફોનની દોઢ કરોડની છેતરપિંડી કરનારા યુવકને પકડવા વિક્રેતાઓની માંગ

મોબાઇલ ફોનની દોઢ કરોડની છેતરપિંડી  કરનારા યુવકને પકડવા વિક્રેતાઓની માંગ
ભુજ, તા. 10 : બજાજ ફાઇનાન્સના નામે માધાપરના યુવકે ભુજના અનેક મોબાઇલ વિક્રેતાઓ પાસેથી મોબાઇલ ફોનની છેતરપિંડી કરી હોવાના બનાવને પગલે આજે શહેરના મોબાઇલ એસોસિયેશનના વેપારીઓએ બંધ પાળી રૂા. દોઢ કરોડનું ફુલેકું ફેરવી ગયેલા મયંક અનિલ ગજરાને પકડી પાડવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શહેરના મોબાઇલ ફોન વેપારીઓએ રેલી સ્વરૂપે કલેક્ટર તેમજ પોલીસવડાને આવેદનપત્ર આપ્યા હતા. પત્રમાં જણાવ્યું હતું કે, મૂળ નિરોણા ગામનો માધાપરમાં રહેતો મયંક અનિલ ગજરા પોતે બજાજ ફાઇનાન્સમાં છે એમ કહીને ગ્રાહકોને ફાઇનાન્સના હસ્તેથી મોબાઇલ અપાવવાની લાલચથી તમામ દુકાનોમાં નિયમિત અવર-જવર કરતો હતો. પરંતુ ગત જુલાઇથી સપ્ટેમ્બર મહિનામાં ભુજના વેપારીઓ પાસેથી 800થી એક હજાર સ્માર્ટ ફોન અલગ-અલગ કંપનીના વેચાણ કરવાના હેતુથી લઇ ગયો હતો જેની કિંમત અંદાજિત દોઢ કરોડ થવા જાય છે એમ પત્રમાં જણાવ્યું હતું. સુનિયોજિત રીતે વેપારીઓ પાસેથી છેતરપિંડી કરીને મોબાઇલ લઇ નાસી ગયો છે જેનો કોઇ સંપર્ક પણ થતો નથી. જેમની પાસેથી છેતરપિંડી કરી છે તે મોબાઇલ ફોનના વેપારીઓએ પોલીસ મથકોએ ફરિયાદ પણ લખાવી હોવાથી તેને ઝડપી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે તેવી માંગ પત્રમાં કરવામાં આવી હતી. છેતરપિંડી આચરનારા યુવકના મોબાઇલ નંબર સાથે આવેદનપત્રમાં જણાવાયું હતું કે, તેમણે અમુકને ચેક આપ્યા હતા તે બાઉન્સ થયા છે. આ કારણોસર છેતરપિંડીના ગુના હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવા જણાવાયું હતું. આવેદનપત્ર આપતી વખતે હરિભાઇ આહીર, હિરેન મકવાણા, પારસ ચૌહાણ, યશ જોષી, પ્રતીક દોશી, વિરેન પારેખ, ભાવેશ ઠક્કર, સાજીદ મેમણ, કલ્પેશ સાવલા વગેરે જોડાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer