આંજી નાખતી ગરબીઓ વચ્ચે વર્ષોથી ગાંધીધામમાં રામલીલા જીવંત

આંજી નાખતી ગરબીઓ વચ્ચે વર્ષોથી ગાંધીધામમાં રામલીલા જીવંત
મનજી બોખાણી દ્વારા ગાંધીધામ, તા. 10 : આ શહેર અને સંકુલમાં મોટાભાગની ગરબી ડી. જે. ડાન્સવાળી અને કોમર્શિયલ થતી જાય છે. લોકોને આકર્ષવા માટે આવી ગરબીઓમાં ફિલ્મી સિતારાઓને આમંત્રણ આપવામાં આવે છે. તેવામાં આ સંકુલનું અસ્તિત્વ થયું તેના બે-ત્રણ વર્ષ પછી શરૂ થયેલી રેલવે કોલોનીની રામલીલા આજે પણ યોજાય છે. રેલવે કોલોનીના મેદાનમાં 5000 લોકોની મેદની વચ્ચે યોજાતી આ રામલીલામાં રામના જન્મથી લઇ રાવણના મૃત્યુ અને ભગવાન રામને રાજતિલક તથા રાવણ દહન સુધી પાત્રો ભજવાય છે. આ સંકુલમાં એકમાત્ર રેલવે કોલોનીમાં રામલીલા બતાવવામાં આવે છે. હાલમાં ડી. જે. ડાન્સ ને ફિલ્મી સિતારાઓવાળી ગરબીઓ યોજાય છે, છતાં પણ રામલીલા જોવા માટે રેલવે કોલોની તથા આસપાસના વિસ્તારના લોકો એમ 5000 જેટલી મેદની દરરોજ આવે છે અને છેક સુધી બેસી રહે છે. આ રામલીલામાં ભગવાન રામ, રાવણ, સીતા, લક્ષ્મણ, હનુમાન, સુગ્રીવ, બાલી, જામવંત, નલ, નીલ, વશિષ્ઠ વગેરેનાં પાત્રો ભજવાય છે. જેમાં રેલવેના કર્મીઓ, નિવૃત્ત કર્મીઓ અને રેલવે કર્મીઓના કુટુંબીજનો આ પાત્રો ભજવે છે. 60થી 70 કલાકારો જન્માષ્ટમી પૂર્ણ થાય ને રેલવે કોલોનીના શિવમંદિરના પ્રાંગણમાં રિહર્સલ શરૂ કરી દેતા હોય છે. એક બાજુ દરરોજ ત્રણથી ચાર કલાક આ રિહર્સલ કરાય છે. તો બીજી બાજુ રાવણનું પૂતળું બનાવવાની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવતો હોય છે. લોકોને નિ:શુલ્ક બતાવાતી આ રામલીલામાં હરિશ્ચંદ્ર કસ્તુલિયા, બસંતકુમાર, સંતોષકુમાર પાંડે, કપિલ ખત્રી, ઉમેશ વર્મા, પુષ્કરનાથ પાંડે, સૌરવ પાંડે, દુર્ગેશ પાંડે, અજયકુમાર દુર્ગજ, ઉત્તમ ઉબાના, મર્યાદસિંઘ, મનોજ જોશી, લક્ષ્મીનારાયણ, ભગવાનસિંઘ, બી. ડી. રાઠોડ, અરવિંદ શ્રીવાસ્તવ, ક્રિષ્નકાંત પાંડે, રાધેશ્યામ, કમલભાઇ, પ્રકાશ મિશ્રા, કરણ, રવિ, કમલેશ શર્મા, દિનેશકુમાર, મહેશ કડેલા, રાજકુમાર ખારડિયા વગેરે પાત્રો ભજવવા, લાઇટિંગ, ડેકોરેશન, મેકઅપ વગેરેનું કામ સંભાળતા હોય છે. જ્યારે રાવણના દરબારમાં નૃત્ય યોજાય છે ત્યારે જાકીર નામનો યુવાન આ નૃત્ય કરતો હોય છે. આમ હિન્દુ, મુસ્લિમ મળીને આ રામલીલા ભજવવામાં યોગદાન આપતા હોય છે. આ રામલીલાના દશમા દિવસે રાવણના વધ બાદ રાત્રે 20થી 25 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. અન્યત્ર સૂર્યાસ્તની આસપાસ રાવણ દહન કરાય છે, પરંતુ અહીં રામલીલામાં રાવણના વધ પછી જ રાવણ દહન કરવામાં આવે છે. અહીં વર્ષોથી યોજાતી આ રામલીલામાં શહેર અને સંકુલના નામાંકિત વેપારીઓ પણ અગાઉ જુદા-જુદા પાત્રો ભજવી ગયા હોવાનું સંતોષકુમાર પાન્ડેએ જણાવ્યું હતું. રેલવેમાંથી નિવૃત્ત થયેલા અને હાલમાં ઇન્દોર સ્થાયી થયેલા દેવીશંકર દર વર્ષે ઇન્દોરથી અહીં આવી સ્ટેજ ડેકોરેશન માટે પોતાની સેવાઓ આપતા હોય છે. અહીં રામલીલા જોવા આવતા લોકો રામલીલા પૂર્ણ ન થાય ત્યાં સુધી પોતાની જગ્યાએથી ડગતા નથી. વર્ષોથી ચાલતી આ રામલીલા ભવિષ્યમાં પણ આમ જ ચાલશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer