એક લાખની લાંચની માગણીના આરોપ સાથે કોઠારાના માજી ફોજદાર અને કોન્સ્ટેબલ સામે ફોજદારી

ભુજ, તા. 10 : અદાલતના માધ્યમથી દાખલ કરાયેલા ફોજદારી મેજિસ્ટ્રીયલ કેસમાં મહિલા આરોપીના રિમાન્ડ ન લેવા તથા તેમને વારંવાર ન બોલાવીને પરેશાન ન કરવા સહિતની સવલતો આપવાના બદલામાં અબડાસાના કોઠારા પોલીસ મથકના માજી સબ ઇન્સ્પેક્ટર તથા એક કોન્સ્ટેબલ સામે રૂા. એક લાખની લાંચની રકમની માગણી કરાયાના આરોપ સાથે લાંચ-રુશ્વત વિરોધી બ્યૂરો દ્વારા ગુનો દાખલ કરાતાં ચકચાર જાગી છે.  લાંચ-રુશ્વત વિરોધી બ્યૂરોના ભુજ મથકના ઇન્સ્પેક્ટર એમ.ડી. ઝાલાએ આજે વિવિધ કલમો હેઠળ આ ફરિયાદ વિધિવત્ રીતે દાખલ કરાવી હતી. જેમાં જે-તે સમયે કોઠારા પોલીસ મથકમાં અને હાલે ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર મૂળ બનાસકાંઠાના દિયોદર તાલુકાના હરિપર ગામના વતની ધીરજલાલ નાનજીભાઇ પટેલ તથા કોઠારા પોલીસ મથકના તત્કાલીન હથિયારી કોન્સ્ટેબલ હિતેન્દ્ર લાભશંકર જોશીને આરોપી બનાવાયા છે. ફરિયાદને ટાંકીને એસીબીના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું કે, પી.એસ.આઇ. ડી.એન. પટેલ કોઠારામાં ફોજદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ફેબ્રુઆરી-2017માં એક મહિલા આરોપી સામે કોર્ટના માધ્યમથી ફોજદારી ગુનો દાખલ થયો હતો. આ કેસની તપાસ દરમ્યાન મહિલા આરોપીના રિમાન્ડ ન લેવા તથા તેમને વારંવાર પોલીસ મથકે ન બોલાવીને પરેશાન ન કરવા સહિતની સગવડો કરી આપવા માટે ફોજદારે કોન્સ્ટેબલ જોશી મારફતે રૂા. એક લાખની રકમની માગણી કરી હતી. દરમ્યાન, મહિલાએ પોતાના પતિ મારફતે આ મામલે લાંચ-રુશ્વત વિરોધી બ્યૂરો સમક્ષ ફરિયાદ કરી લાંચની રકમની માગણી વિશેની વાતચીત સહિતના પુરાવાઓ રજૂ કર્યા હતા. એસીબી દ્વારા આ ફરિયાદ અરજી અન્વયે જરૂરી પ્રાથમિક તપાસ કરી પુરાવાઓ એકત્ર કરાયા બાદ આજે પોતાના ભુજ મથકમાં ભ્રષ્ટાચાર અધિનિયમ તળેની વિવિધ કલમો તળે આ ગુનો દાખલ કરાયો હતો. પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ સામેના લાંચની માગણીના આ કેસની તપાસ એસીબીના પૂર્વ કચ્છના ગાંધીધામ મથકના ઇન્સ્પેક્ટર પી.વી.પરગડુને સુપરત કરવામાં આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer