ડિગ્રી હોવા છતાં નોકરી ન મળતાં નિરાશ ગાંધીધામના યુવાને ફાંસો ખાઇ જીવ દીધો
ભુજ, તા. 10 : ગાંધીધામ શહેરમાં વિશાંત રમેશ આસનાણી (ઉ.વ.24)એ ડિગ્રી હોવા છતાં નોકરી ન મળવાની સ્થિતિ વચ્ચે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તો બીજીબાજુ માંડવી તાલુકાના હાલાપર ગામે ગંભીર રીતે દાઝી જવાના કિસ્સામાં અજુબાઇ પ્રકાશભાઇ કોળી (ઉ.વ.25)ને મોત આંબી ગયું હતું. અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ ગાંધીધામના શકિતનગર વિસ્તારમાં રહેતા વિશાંત આસનાણીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ યુવાનના માતા-પિતા કામસર અમદાવાદ ગયા બાદ આ હતભાગીએ આ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મરનાર વિશાંત શિક્ષિત હતો. ડિગ્રી મેળવ્યા બાદ પણ યોગ્ય નોકરી ન મળવાની સ્થિતિમાં ગત મોડીરાત્રે તેણે આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજીબાજુ હાલાપર ગામે અજુબાઇ કોળી નામની પરિણીતાનું દાઝી જવાના લીધે અપમૃત્યુ થયાનું બહાર આવ્યું છે. પોલીસ સાધનોના જણાવ્યા મુજબ આ હતભાગી પરિણીત યુવતી ગત શુક્રવારે સાંજે તેના ઘરમાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. માંડવીથી વધુ સારવાર માટે ભુજ ખસેડાયા બાદ જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ગત મધ્યરાત્રિએ તેણે દમ તોડયો હતો. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની છાનબીન હાથ ધરી છે.