પદ્ધર પાસે વિજપાસરના મહિલા પદયાત્રીનું જીપકાર હેઠળ મૃત્યુ

ભુજ, તા. 10 : ભુજ-ભચાઉ વાયા દુધઇ ધોરીમાર્ગ ઉપર પદ્ધર ગામ નજીક મારુતિ અર્ટિગા જીપકારની હડફેટે આવી જવાથી ગંભીર રીતે ઘવાયેલા વિજપાસર (ભચાઉ)ના પગપાળા માતાના મઢ જઇ રહેલા રાકોરબા દાનુભા જાડેજા (ઉ.વ. 65)નો જીવનદીપ બુઝાયો હતો. તો બીજીબાજુ નખત્રાણા તાલુકામાં મોરાય ગામ પાસે કોઇ વાહન સાથેના અકસ્માતમાં બાઇક ઉપર પોતાના પિતરાઇ ભાઇ સાથે માતાના મઢ જઇ રહેલા શેરડી (માંડવી)ના રમેશ મેઘરાજ સંઘાર (ઉ.વ.16)ની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી. માતાના મઢની પદયાત્રા અને નવરાત્રિ અનુસંધાને કચ્છ ધણીયાણીના સ્થાનકે દર્શનાર્થે જતા ભાવિકોને જીવલેણ અકસ્માત નડવાની આ બે ઘટના પૈકી પદ્ધર નજીક બી.કે.ટી. કંપની પાસે ગતરાત્રે દશેક વાગ્યાના સુમારે વિજપાસર ગામના રાકોરબા જાડેજાને જીવલેણ અકસ્માત નડયો હતો. પગપાળા માતાના મઢ જવા નીકળેલા આ વૃદ્ધા મારુતિ અર્ટિગા કારની હડફેટે આવી ગયા હતા. અત્યંત ગંભીર પ્રકારની ઇજાઓ થવાના કારણે તેમનું સારવાર નસીબ થાય તે પહેલાં જ મૃત્યુ થયું હતું. પદ્ધર પોલીસે જીપકારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું. બીજીબાજુ મોરાય ગામ નજીક પોતાના મોટા પિતરાઇ ભાઇ ધીરજ લધુભાઇ સંઘાર (ઉ.વ. 25) સાથે બાઇક ઉપર શેરડીથી માતાના મઢ જવા નીકળેલા 16 વર્ષની વયના રમેશ સંઘારનું માર્ગ અકસ્માતમાં આજે પરોઢીયે મૃત્યુ નિપજ્યું હતું. આ બાબતે નખત્રાણા પોલીસે આપેલી માહિતી મુજબ કોઇ અજાણ્યા વાહન સાથે બાઇકને અકસ્માત નડતાં બાઇકની પાછળની સીટ ઉપર બેઠેલા રમેશને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી, જે તેના માટે તત્કાળ જીવલેણ બની હતી. અકસ્માત બાદ અજ્ઞાત વાહન નસાડી જવાયું હતું. નખત્રાણા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer