ભુજના ભૂકંપગ્રસ્તો માટે સરકારનો અભિગમ નિરાશાજનક રહ્યો

ભુજ, તા. 10 : ભૂકંપગ્રસ્ત ભુજવાસીઓની લાગણીને સરકાર દ્વારા ઠેંસ પહોંચાડતો પરિપત્ર મહેસૂલ વિભાગ દ્વારા બહાર પડાયો છે અને ચારે રિલોકેશન સાઇટોમાં નવી શરતના પ્લોટની અધધધ પ્રીમિયમની રકમમાં ફેરવિચારણા, જમીન ફ્રી હોલ્ડ કરવા સહિતની રાજકીય અગ્રણીઓ-જાગૃત લોકોની વખતો-વખતની માંગ સામે સરકારે ભૂકંપગ્રસ્ત પ્લોટધારકોને લાભ માટે 25 વર્ષ રાહ જોવાનું જણાવી દીધું છે. ભુજની ચારેય રિલોકેશન સાઇટના રહેવાસીઓને ફાળવેલા નવી શરતના પ્લોટમાં બનેલા મકાનો વેચાણ કરવા બાબતે મહેસૂલ વિભાગ દ્વારા બે દિવસ પહેલાં જ ઠરાવ બહાર પડાયો છે જેમાં જણાવાયા મુજબ અગાઉ બજાર કિંમત/વેચાણ કિંમત પર ભરવાના થતા પ્રીમિયમ મુજબ 10 વર્ષ સુધીમાં 75 ટકા જેની સામે હાલના ઠરાવ મુજબ 5થી 10 વર્ષ સુધી 75 ટકા જ્યારે 10થી 20 વર્ષ સુધી 50 ટકા જે યથાવત રખાયા છે જ્યારે અગાઉ 20 વર્ષ પછી 25 ટકાને બદલે હાલ 20થી 25 વર્ષ સુધી 25 ટકા પ્રીમિયમ રખાયું છે. ભૂકંપગ્રસ્તોને લાભ છેક 25 વર્ષ પછી મળી શકે જેમાં પ્રીમિયમ શૂન્ય જાહેર કર્યું છે. જો કે, સરકારે મોરબી હોનારતના અસરગ્રસ્તો અને અમદાવાદના દબાણકારો માટે પણ ઉદારનીતિ અપનાવી છે તેવી કચ્છ પ્રત્યે ન અપનાવતાં લોકોમાં નિરાશા સાથે રોષ પણ ફેલાયો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણી વખતે ખુદ ધારાસભ્ય નીમાબેન આચાર્યે પ્રીમિયમ પ્રશ્ન ઉકેલવા રિલોકેશન સાઈટના રહેવાસીઓને ખાતરી આપી હતી, પણ એવું થયું નહીં અને અત્યાર સુધી થયેલા તમામ પ્રયત્નો એળે ગયા હોવાની લાગણી લોકોમાં ફેલાઈ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer