ઝીકા રોગ રોકવાની કચ્છના મેડિકલ ઓફિસરોને તાલીમ

ભુજ, તા. 10 : ડેન્ગ્યૂ, ચીકનગુનિયા અને યેલોફીવર ફેલાવતા ચેપી મચ્છર (એડીસ)ના કરડવાથી ઝીકા વાયરસ ફેલાય છે તેનાથી થતા રોગની અટકાયત અંગે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પ્રા.આ. કેન્દ્રોના મેડિકલ ઓફિસરોને ખાસ તાલીમ આપવા વર્કશોપ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ઝીકા વાયરસથી થતો રોગ સામાન્ય બીમારી છે. પાંચ વ્યક્તિઓને ચેપ લાગ્યો હોય તો એક વ્યક્તિમાં રોગના ચિન્હો જોવા મળે છે. તાવ, સાંધામાં દુખાવો, આંખ લાલ થવી, સ્નાયુનો દુખાવો, માથું દુખવું વિગેરે ચિન્હો અઠવાડિયા સુધી રહે છે. દર્દીઓને ભાગ્યે જ હોસ્પિટલમાં દાખલ કરવા પડતા હોય છે. લેબોરેટરીમાં લોહીનું પરીક્ષણ પોલીમરેઝ ચેઇન રિએકશન અને વાઇરસ આઇસોલેશન કરાવી લેવું જોઇએ. સીડીએચ.ઓ. ડો. કે.જી. કન્નરે રોગથી બચવાના ઉપાય વિશે જણાવ્યું કે, ઝીકા વાયરસથી બચવા સૌથી સારો ઉપાય મચ્છરોના ઉપદ્રવને રોકવો છે. શરીરને ઢાંકીને રાખવું, સફેદ સુતરાઉ કપડા પહેરવા, ઘરની આસપાસ કુંડા, પાત્રો, કૂલર વગેરેમાં ભરાયેલું પાણી નિયમિત સાફ કરીને કાઢી નાખવું, નાક, ગળું છોલાવું, સાંધામાં દુખાવો, આંખો લાલ થાય તો વધુ પ્રવાહી લેવું અને ભરપૂર આરામ કરવો. સ્થિતિમાં સુધારો ન થતાં તરત નજીકના ડોકટરને બતાવવું. હાલમાં ઝીકા વાયરસની સારવાર માટે કોઇપણ દવા કે રસી નથી. તાવ આવે ત્યારે પેરાસીટામોલ દવા લેવી જો કે એસ્પીરીન, બ્રુફેન અને નેપ્રલસીન જેવી દવા લેવાનું ટાળવું સલાહભર્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer