ખાવડાની ખાનગી કંપની દ્વારા નીરણ કેન્દ્રો શરૂ કરવાની ખાતરી

ભુજ, તા. 10 : ખાવડા-પચ્છમ વિસ્તારમાં આવેલી સોલારિસ કેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ વિસ્તારમાં નીરણ કેન્દ્રો શરૂ કરાય તેવી જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિના સદસ્યએ કરેલી રજૂઆતનો સાનુકૂળ પડઘો પડયો છે, અને કંપની દ્વારા નીરણ કેન્દ્રો અંગે તાત્કાલિક નિર્ણય લઇ શરૂ કરાશે તેવી ખાતરી અપાઇ છે. હાલે દુષ્કાળની ભયંકર પરિસ્થિતિ વચ્ચે ખાવડા-પચ્છમ વિસ્તારમાં પશુઓ ઘાસચારા વિના વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે પુરવઠા સલાહકારના સદસ્ય લીલાધરભાઇ ચંદેએ ખાનગી કંપની સોલારિસ કેમ ઇન્ડસ્ટ્રીઝના જનરલ મેનેજર સુરેન્દ્રસિંહજી તેમજ વહીવટી વડા શ્રી સોનીની મુલાકાત લઇ સમગ્ર પચ્છમ વિસ્તારમાં પશુઓ માટે નીરણ કેન્દ્રો શરૂ કરવા રજૂઆત કરી હતી. તેમણે ઉદ્યોગ દ્વારા અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ વખતે આ વિસ્તારને મદદરૂપ બનવા અપાયેલી બાંહેધરીની ખાતરી અંગે યાદ અપાવી હાલની પરિસ્થિતિમાં કંપની મદદરૂપ બને તેવી માંગ કરી હતી. તેના પ્રત્યુત્તરમાં અધિકારીઓએ આ બાબતે જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી તેમની સૂચના અનુસાર તુરંત યોગ્ય કરવાની ખાતરી આપી હતી. અગાઉનાં વરસોમાં પણ આ ખાનગી કંપની દ્વારા આ વિસ્તારમાં નીરણ કેન્દ્રો શરૂ કરાયાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer