નાની અરલમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા મંજૂરી વિના નખાતા ટાવર રોકો

ભુજ, તા. 10 : નખત્રાણા તાલુકાના નાની અરલ ગામની ખાનગી જમીનો, ગૌચર અને સરકારી જમીનોમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા હેવી લાઇન અને ટાવર નાખવાની કામગીરી વગર મંજૂરીએ ચાલી રહી છે તે પર્યાવરણ અને પશુ-પક્ષીઓને નુકસાનકારક હોવાથી તાત્કાલિક અટકાવવાની માંગ મહિલા અગ્રણીએ કરી અન્યથા અદાલતી કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. નખત્રાણા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ઉદયકુંવરબા વિજયરાજજી જાડેજાએ ભુજ સ્થિત પર્યાવરણ પ્રદૂષણ બોર્ડની કચેરીને પણ આ બાબતે જણાવ્યું હતું કે, નાની અરલ ગામની સીમમાં ખાનગી પાવર કંપનીઓ દ્વારા હેવી લાઇનો ટાવર સહિત નખાય છે તેમને લેભાગુ તત્ત્વો ખેડૂત ખાતેદારોની જાણ બહાર 7/12 રજૂ કરી કંપનીઓ પાસેથી માલિકોને નજીવી રકમ અપાવી બાકીની હડપ કરી રહ્યા છે. હાલમાં જ એક બનાવમાં આવું કામ બંધ કરાવ્યું છે. લેભાગુ તત્ત્વોએ કંપનીઓ પાસેથી ગૌચરમાં ટાવર દીઠ અડધા લાખ પ્રમાણે તગડી રકમ લીધી છે. ત્રણ-ચાર જણના બેંક ખાતામાં જમા કરાવાઇ છે. હવે આ રકમમાંથી બે ટકા વ્યાજથી અપાય છે. ગામની ગાયો માટે આ રકમ લેવાઇ છે તો ગ્રામસભા કે પંચાયતની બેઠકમાં આ વાત કેમ કરાતી નથી. કંપનીની લાઇનના નકશા ગ્રામ પંચાયતમાં મુકાવા જોઇએ. તા. 31/10 સરદાર પટેલ જયંતી સુધી બંધ કરવાની કાર્યવાહી નહીં થાય તો હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી અને સીબીઆઇની તપાસ માટે સોંપાશે તેવી ચીમકી ઉદયકુંવરબા જાડેજાએ આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer