ગાંધીધામમાં આખલાના ત્રાસથી બે વૃદ્ધને અસ્થિભંગ સહિતની ઇજા

ગાંધીધામ, તા. 10 : આ શહેર અને સંકુલમાં હજુ પણ આખલાઓનો આતંક યથાવત છે. ભારતનગર વિસ્તારમાં ઉપરા ઉપરી બે દિવસ દરમ્યાન બે આધેડ વેપારીઓને આખલાઓએ હડફેટમાં લેતાં આ બન્ને આધેડને અસ્થિભંગ સહિતની ઈજા પહોંચી હતી. શહેર અને સંકુલમાં અગાઉ આખલાઓની સમસ્યાને પગલે પાલિકા અચાનક જાગી હતી અને સંકુલમાં જાહેર માર્ગો ઉપર ફરતા આખલાઓને પકડી પાડીને રામલીલા મેદાનમાં રાખવામાં આવતા હતા પરંતુ ગમે તે કારણે આ કામગીરીને આટોપી લેવામાં આવી હતી. બાદમાં પાલિકાએ સાતમ-આઠમ પછી આખલા પકડવાની કામગીરી શરૂ કરાશે તેવાં ગાણા ગાયાં હતા પણ નવરાત્રિ શરૂ થઇ ગઇ છતાંય આ કામગીરીનો પ્રારંભ પાલિકાએ કર્યો નથી જેના કારણે લોકો આખલા યુદ્ધમાં હડફેટે ચડી રહ્યા છે. શહેરનાં ભારતનગર વિસ્તારમાં આશાપુરા મંદિર પાસે સોમવારે આખલાઓએ હડફેટે લેતાં માધવભાઇ નામના વેપારીને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. તો ગઇકાલે રાત્રે જનતા કોલોની નજીક આખલાઓની હડફેટે અન્ય એક આધેડ ચડયા હતા. આ આધેડને પણ અસ્થિભંગ સહિતની ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. અગાઉ આખલાઓની હડફેટે ચડનારાઓના જીવ પણ ગયા છે. ત્યારે પાલિકાના કોઇ કર્મચારી કે, હોદેદારના સગા સબંધી આવા આખલાઓની હડફેટે ચડે પછી જ પાલિકા કોઇ કામગીરી કરશે તેવું લોકો પૂછી રહ્યા છે. જો આખલા પકડવાની કામગીરી તુરંત નહીં કરાય તો વેપારીઓ કાંઇક નવા જૂની કરવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer