ભુજમાં પોલીસ કર્મચારીના પેટમાં છરી મારનારા આરોપીના જામીન નામંજૂર

ભુજ, તા. 10 : શહેરમાં જુની ભીડબજાર વિસ્તારમાં પોતાને પકડવા માટે આવેલી પોલીસ ટુકડી ઉપર હુમલો કરી સ્થાનિક ગુનાશોધક શાખાના કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર મૂળશંકર રાવલના પેટમાં છરીનો ઘા મારનારા લૂંટના કેસના આરોપી ભુજના રિયાઝ ભચુ મમણની ચાર્જશીટ બાદની નિયમિત જામીન અરજી જિલ્લાની મુખ્ય અદાલતે નામંજૂર કરી હતી. તો બીજીબાજુ ભુજના પરિવહનકાર સાથે સોદો કરીને ટ્રક લીધા બાદ બાકીની રકમ ન ચૂકવી છેતરપીંડી કરવાના કેસમાં બે આરોપી કોટડા (નખત્રાણા)ના ભોમાસિંહ દજાજી સોઢા અને કોટડા (જડોદર)ના દીપાસિંહ પ્રતાપાસિંહ સોઢાની આગોતરા જામીનની માગણી પણ જિલ્લા અદાલતે નામંજૂર કરી હતી. મોબાઇલ ફોન અને રૂપિયાની લૂંટના કેસને અંજામ આપ્યા બાદ નાસતા-ફરતા આરોપી રિયાઝ મમણે તેને પકડવા આવેલી પોલીસ ટુકડી ઉપર ધોળાદિવસે હુમલો કર્યો હતો અને એલ.સી.બી.ના કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલને પેટમાં છરીનો ઘા માર્યો હતો.આ પ્રકરણમાં ગુનો દાખલ થયા બાદ અને આરોપીની ધરપકડ બાદ કેસનું આરોપનામું ઘડાઇ ચૂકયા પછી નિયમિત જામીન અરજી મુકાઇ હતી. જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ એમ.એમ.ગાંધીએ બન્ને પક્ષને સાંભળી જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો આજે આપ્યો હતો.બીજીબાજુ ભુજના પરિવહનકાર મૂળ વંગના વેલજીભાઇ ખેંગાર આહીર સાથે ટ્રકનો સોદો કર્યા બાદ બાકીની રકમ ન આપી રૂા. 2.86 લાખની છેતરપીંડી થવાના કિસ્સામાં આગોતરા જામીન માટે માગણી કરનારા બે આરોપી ભોમાસિંહ સોઢા અને દીપાસિંહ સોઢાની આ માગણી કોર્ટએ ગ્રાહ્ય રાખી ન હતી. ભુજના અધિક સેશન્સ જજ આશિષ જે.એસ.મલ્હોત્રા સમક્ષ આ સુનાવણી થઇ હતી. તેમણે આ ચુકાદો આપતાં આગોતરાની અરજી નામંજૂર કરતો આદેશ કર્યો હતો. આ બન્ને કેસમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ મયૂર પુરોહિત હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer