આહીરપટ્ટીના જર્જરિત માર્ગોને લીધે પદયાત્રિકોને મુશ્કેલી

રાયધણપર (તા. ભુજ), તા. 10 : તાલુકાની આહીરપટ્ટીના ધાણેટીથી નાડાપા-હબાય માર્ગની હલત અત્યંત જર્જરિત બનતાં નવરાત્રિના દિવસોમાં ભાવિકો માટે મુશ્કેલરૂપ બન્યો છે. આ સડક માર્ગની તુરંત મરંમત થાય તેવી લોકમાંગ ઊઠી છે. આ પંથકના હબાય ખાતે મા વાઘેશ્વરીના મંદિરે દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો  દર્શન કરવા આવે છે. તો વળી દૂર દૂરથી શ્રદ્ધાળુઓ નવરાત્રિ નિમિત્તે પગપાળા પણ હબાય પહોંચે છે. જે દરમ્યાન નાડાપા માર્ગની હાલત અત્યંત બિસમાર હોવાથી ગંભીર અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. ધાણેટી ગામના યુવા અગ્રણી કાનજીભાઇ છાંગાએ જણાવ્યું કે નાડાપા વિસ્તારમાં ચાઇના કલેનું પરિવહન કરતા ડમ્પર-ટ્રકોના કારણે અહીં સડકનું નામોનિશાન નથી રહ્યું. અંદાજે 15 કિલોમીટરના રસ્તે ચારે તરફ ઝીણી ધૂળ-રજકણ અને માટીનું સામ્રાજ્ય છે જેતી દ્વિચક્રી વાહનચાલકોને આ રસ્તે પસાર થવું મોતના માર્ગે પસાર થવા સમાન છે.  આ સડક જાણે કે ધણીધોરી વિનાની હોય તેમ વર્ષોથી હાલત બિસમાર છે. કમસેકમ નવરાત્રિ ટાંકણે અહીં સડક ઉપરની માટી દૂર કરી એક ટાઇમ પાણી છંટકાવ થાય અથવા સડક નવી બનાવાય તો થોડીઘણી રાહત રહે તેમ છે. કાનજીભાઇ છાંગાએ વધુમાં ઉમેર્યું કે નવરાત્રિ નિમિત્તે અને હબાય ખાતે આઠમના મેળા નિમિત્તે ઉપરાંત મહાશિવરાત્રિ જેવા પર્વમાં ધ્રંગ માટે ભાવિકો મોટી સંખ્યામાં આ રસ્તે પસાર થતા હોવાથી આ સડકની મરંમત માટે તંત્ર ગંભીરતાથી વિચારે તે જરૂરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer