ગાંધીધામ મત વિસ્તારના 11 રસ્તા 15 હજાર લાખને ખર્ચે બનાવવા માંગ

ગાંધીધામ, તા. 10 : આ મત વિસ્તારના જુદા-જુદા મહત્ત્વના કુલ્લ 11 રસ્તા રૂા. 15,240 લાખના ખર્ચે તૈયાર કરવા માટે અત્રેના ધારાસભ્યે નાયબ મુખ્યમંત્રી સમક્ષ દરખાસ્ત કરી હતી. ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા માર્ગ અને મકાન વિભાગના મંત્રી સમક્ષ લોકોની સુવિધામાં વધારો કરવા માટે અલગ-અલગ માર્ગને પહોળા કરવા રિ-સરફેસિંગ કરવા અનુરોધ કર્યો હતો. આ દરખાસ્તમાં ગાંધીધામ- આદિપુરને જોડતા ટાગોર રોડના મજબૂતીકરણ માટે રૂા. 950 લાખ, અંતરજાળ-કિડાણાથી તુણા માર્ગને પહોળો કરવા રૂા. 600 લાખ, હલરા-રામપર-વિજપાસર-રામદેવપીર- આંબલિયારાથી જંગી સુધી માર્ગના રિ-સરફેસિંગ માટે રૂા. 110 લાખ, વામકા-લાખાવટ-કરમરિયા રસ્તાના રિ-સરફેસિંગ માટે રૂા. 150 લાખ, સામખિયાળી-આધોઈ-કંથકોટ-રામવાવ-ગઢડા રોડને પહોળો કરવા રૂા. 1560 લાખ, દેવપર-મનફરા-ચોબારી- ભરૂડિયા-ખેંગારપર માર્ગને રિ-સરફેસિંગ માટે રૂા. 570 લાખના કામનો સમાવેશ કરાયો હતો. આ ઉપરાંત ભચાઉ-રામવાવ-રાપર રસ્તાને પહોળો કરવાની કામગીરી માટે રૂા. 8900 લાખ તેમજ આ જ માર્ગ પર પુલ બનાવવા માટે રૂા. 1040 લાખ, મેઘપર ગામ પાસે બોક્સ કલવર્ટ માટે રૂા. 520 લાખ, ખારી નદી પાસે બોક્સ કલવર્ટ માટે 360 લાખ અને ચોપડવા-લુણવા રસ્તા પર પુલ બનાવવાની કામગીરી માટે રૂા. 480 લાખ ફાળવવા માટે ધારાસભ્ય માલતીબેને પત્રમાં માંગ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer