વરસે તો ભલે નકાં ડોઢિયો ડકાર

વરસે તો ભલે નકાં ડોઢિયો ડકાર
ઉદય અંતાણી અને - કમલેશ ઠક્કર દ્વારા - ભચાઉ, તા. 18 : અમુક તાલુકાઓને બાદ કરતાં કચ્છમાં મેઘરાજાએ કૃપા ન વરસાવતાં દુકાળની પરિસ્થિતિ સર્જાઇ?છે. ઘાસચારાની તીવ્ર તંગીથી પૈસા દેવા છતાંય ઘાસ નથી મળતું. કચ્છના તમામ તાલુકાઓમાં આવી હાલત છે. વરસાદ ન થતાં જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં પશુધનની સંખ્યા નોંધપાત્ર છે અને ઘણા પરિવારો ખેતી આધારિત છે તેવા ભચાઉ?તાલુકામાં પશુપાલકો, ખેડૂતોની શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા પ્રયાસ કરાયો ત્યારે તાલુકાના કાંઠાળ અને રણ વિસ્તારના ગામડાઓમાં ઘાસચારાની તીવ્ર તંગીની અત્યારે આવી સ્થિતિ છે તો આગળ જતાં વરસાદ ન પડયો તો શું થશે તેની ઘેરી ચિંતામાં જ ગ્રામજનો ડૂબેલા હોવાનું જણાયું હતું. માલધારીઓની બીજી પેઢીએ પ્રથમ વેળા આવી કારમી પરિસ્થિતિ સર્જાઇ હોવાનું સમગ્ર પ્રવાસ દરમ્યાન જાણવા મળ્યું હતું. ચિત્ર એવું સ્પષ્ટ થાય છે કે હવે એક નહીં, પણ દોઢિયા દુકાળનો ડર છે. તાલુકાનાં ગામડાંના વગડા સૂકા થઇ ગયા છે, ઘાસ ડેપો ખોલાયા છે પરંતુ તેની વિતરણ વ્યવસ્થા અપૂરતી છે. વળી તે ઘાસ પણ?ઊતરતી કક્ષાનું છે. જેથી પશુપાલકોની હાલત જાયે તો જાયે કહાં જેવી છે. પરંતુ જો જંગલ ખાતા દ્વારા તેમની હદમાં ઊગેલું ઘાસ ચરવા માટે મંજૂરી અપાય તો માલધારીઓની સમસ્યાનો બેડો પાર થઇ જાય તેમ છે. માલધારી વર્તુળોના જણાવ્યા પ્રમાણે વાંઢિયા નજીક જંગલ ખાતાની હદમાં 60થી 70 એકર જેટલા જંગલ વિસ્તારમાં ઘાસ ઊગેલું છે. તેમાં પશુઓને ચરવા નથી દેવાતા. આ વિશાળ ફલકમાં જૂનું ઘાસ પાંચથી સાત ફૂટ?જેટલું ઊગેલું છે. પરંતુ જંગલ ખાતા દ્વારા પશુઓને ચરવા જવાની મંજૂરી જ આપવામાં નથી આવતી. જો તેમાં મંજૂરી અપાય તો આજે 12 કલાક સુધી ફર્યા બાદ પણ?ન ધરાતી ગાયો બે કલાકમાં ધરાઇ જાય અને માલધારીઓની જટિલ સમસ્યાનો બેડો પાર થઇ?જાય તેમ છે. શું આ ઘાસ સડવા માટે રાખવામાં આવ્યું છે ? તેવો સવાલ પશુપાલકોએ ઉઠાવ્યો હતો. તાલુકાના પાંજરાપોળોની પણ હાલત વિકટ હોવાના અહેવાલો સાંપડયા હતા. સરકાર દ્વારા રાહતદરે અપાતા ઘાસના જથ્થામાં માંડ?10 ટકા જેટલા પશુઓનું પૂરું પડી શકે, બાકીના પશુઓનું શું કરવું તે સમસ્યા લોકોને મૂંઝવી રહી છે. ભચાઉથી જંગી તરફ જતા લલિયાણા ખાતે મળી ગયેલા પૂર્વ સરપંચ ગાંગલ બિજલ હબીરાભાઇએ ભૂકંપ બાદ સૌપ્રથમ વખત દુકાળની આવી ભયાવહ સ્થિતિ સર્જાઇ?હોવાનું ચહેરા પર ચિંતાનાં વાદળો સાથે જણાવ્યું હતું. ગામમાં ચારથી  પાંચ હજાર પશુઓ હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, એક પશુને ચારથી પાંચ કિલો સૂકો ચારો જોઇએ. અત્યારે ઘાસ પૈસા દેવા છતાંય મળતું નથી, ત્યારે આવી પરિસ્થિતિમાં પશુપાલકો ઝાડના પાંદડાં કાપી પશુઓને ખવડાવે છે તેવી હાલત સર્જાઇ?છે. ઘાસકાર્ડ નીકળ્યાં પણ મહિનામાં અત્યાર સુધી ગામમાં એકપણ?ઘાસની ગાડી આવી ન હોવાનું તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું. ગામના ચોરે બેઠેલા અન્ય ગ્રામજનોએ રામદેવપીરની અગિયારસની આશા છે એ આશા અમર છે, તેમાં નિરાશા નથી સાંપડી. જો ભારે વરસ્યો તો ભયો ભયો, જો ન વરહે તો ડેઢિયો ડકાર થશે તેવી ચિંતા કચ્છમિત્ર સાથેની વાતચીતમાં વ્યક્ત કરી હતી. ભચાઉ તાલુકાનાં લલિયાણા ઉપરાંત જંગી, વાંઢિયા, મોડપર, ગોડપર, લખધીરવાંઢ, નવા કટારિયા, શિકારપુર, જૂના કટારિયા, સૂરજબારી, આમલિયારા, છાડવાડા, વીજપાસર, વોંધડા, કરમરિયા, ઘરાણા, આધોઇ, લાકડિયા, લખાસરી, ચાંદ્રોડી, માણાબા સહિતના ગામડાઓમાં ઘાસચારાની તીવ્ર તંગીથી પશુઓ ભૂખ્યા ભાંભરે?છે. પશુઓની વેદના પશુપાલકોથી જોવાતી નથી અને આકાશ?તરફ મીટ માંડી આખરી આશા રાખી દિવસો ગુજારી રહ્યા છે. ગામેગામ ડેપો હોવા જોઇએ અછતની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા ઘાસ ડેપો શરૂ?કરાયા પરંતુ ઘાસ ડેપો દૂર હોવાથી તેને લઇ?આવવામાં પડતા ટ્રેક્ટરના ભાડાં માલધારીઓ પર પડયા પર પાટુ સમાન છે. પ્રવાસ દરમ્યાન લોકોએ જણાવ્યું હતું કે, જ્યાં ડેપો?શરૂ?કરાયા છે ત્યાંથી ઘાસ લઇ?જવા માટે ટ્રેક્ટરનાં ભાડાં મોંઘાં પડે છે. તેમાંય ઇંધણના ભાવ વધતાં તેના ભાડાંમાંય વધારો થયો છે. જેથી ઘાસ વિતરણ કેન્દ્ર પ્રત્યેક ગામોમાં જ હોવા જોઇએ, તો રાહતદરે મળતા ઘાસનો ફાયદો થાય. બાકી તો મળતી રાહત ટ્રેક્ટરનાં ભાડાંમાં જ ખર્ચાઇ જાય છે. દૂધના ઉત્પાદનમાં ઘટાડો વરસાદ ન વરસતાં ઘાસચારાની ભારે તંગી સર્જાઇ?છે. પૂરતું ઘાસ મળતું ન હોવાના કારણે પશુઓ નબળા પડતા જાય છે. આવી વિકટ પરિસ્થિતિને કારણે દૂધનું ઉત્પાદન પણ ઘટી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. પશુપાલકોએ જણાવ્યું હતું કે, પૂરતો ચારો પણ ન હોવાના કારણે ગાયો દૂધ કયાંથી આપે ? અત્યારે તો વાછરડા, વાછરડીઓ પણ ધરાતી નથી તેવી હાલત હોવાનું જણાવ્યું હતું. આવી પરિસ્થિતિ જોઇને બીજી પેઢીએ પ્રથમ વખત દુકાળની હાલત જોઇ હોવાનું જણાવ્યું હતું. ભૂખ્યા ઢોર વાડા તોડી ભાગી જતા હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે સવારે પાંચ વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ગામના સીમાડાઓ ખૂંદીએ છીએ પરંતુ સૂકા થઇ ગયેલા વગડાઓમાં પશુઓ ધરાતા નથી. ઘાસ વિતરણની નીતિ સામે આ પશુપાલકે ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. એક ગાય હોય એને પણ એક ગાંસડી અને 45 ગાય હોય એને પણ એક ગાંસડી, બાકીની 44 ગાયોનું શું કરવું તેવો સવાલ આક્રોશ સાથે વ્યકત કર્યો હતો. 45 ગાયો સામે અપાતી એક ગાંસડી માંડ ચાર-પાંચ દિ' ચાલે, બાકીના દિવસોમાં શું કરવું ? આવી પરિસ્થિતિ દિવસે તારા દેખાડી જાય છે તેવું ઉમેર્યું હતું. નેરથી ભચાઉ તરફ જતા બાવળિયાની ઝાડીઓમાં પશુઓને ચરાવતા બન્નીથી સેંકડો પશુઓને લઇને આવેલા માલધારી અલ્લાના મતારાએ બન્નીમાં તો પાણી પણ ન હોવાનું અને શિકરા નજીક પશુઓને લઇ જતા હોવાનું કહ્યું હતું. ત્યાં પણ ચારો કે પાણી મળશે કે કેમ તે અંગે તેમણે ચિંતા દર્શાવી હતી. પાંજરાપોળની હાલત પણ કફોડી દાતાઓના દાનથી ચાલતી પાંજરાપોળોની હાલત પણ કફોડી છે. આધોઇ પાંજરાપોળમાં  અત્યારે 1000થી 1900 જેટલા ઢોરોનો નિભાવ થાય છે. એક ગાયના ચારથી પાંચ કિલો ચારા લેખે 7 હજાર કિલો રોજનું ઘાસ જોઇએ પરંતુ હજુ સુધી સરકારની કોઇ સબસિડી કે અન્ય કોઇ રાહત મળી નથી. આધોઇની આ પાંજરાપોળમાં રાપર તાલુકાના લોકો પણ પોતાના પશુઓ મૂકી જાય છે. સરકાર દ્વારા તાત્કાલિક અછત કે અર્ધ અછત જાહેર કરવામાં આવે તો અનેક પશુઓ સચવાઇ જાય. હાલ આકાશમાં તો વાદળાં નથી પરંતુ ભચાઉ તાલુકાના પશુપાલકોના ચહેરા પર ચિંતાનાં વાદળો ચોક્કસ ઘેરાયેલાં છે. હજુ પણ વરસાદ ન પડયો તો કાબૂ બહારની સ્થિતિ સર્જાશે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યા છે. વરસાદ પડશે તો ઊગશે, નહીં તો જમીનમાં કીડિયારું નાખ્યું એવું સમજશું તેવો વસવસો ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો. નારણસરી, શિકારપુર, સૂરજબારી સહિના ગામડાઓમાં પીવા માટે પાણીની તંગી હોવાનું લોકોએ જણાવ્યું હતું.   
વિકટ પરિસ્થિતિમાં ઉદ્યોગો પણ સહયોગ આપે  ભચાઉ, તા. 18 : દુષ્કાળની પરિસ્થિતિમાં આજે ભચાઉ તાલુકાનાં ગામડાઓમાં પૈસા ખર્ચવા છતાંય ચારો મળતો નથી. ભારે ઉદ્યોગો પણ કપરા કાળમાં સહયોગ આપે તેવી પ્રબળ માંગ ગામજનોએ કરી હતી. કચ્છ ફસલ પ્રોડયુસર કંપની સામખિયાળીના ઝુઝારસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગોના પ્રદૂષણનાં કારણે આસપાસના અનેક ગામડાઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તો ઉદ્યોગો આવી કફોડી હાલતમાં ઘાસચારો પૂરો પાડવા શું કામ આગળ ન આવે ? તેમણે એક પણ કંપની દ્વારા મદદ કરાઇ ન હોવાનું જણાવ્યું હતું. ઉદ્યોગોએ કાંઇ જ કર્યું ન હોવાનું જણાવી તેમણે હૈદરાબાદથી જારના ચારાની ગાડી મગાવી એક પશુદીઠ 40 કિલો ચારો 3350 જેટલા લોકોને અપાયો હતો. હજુ વધુ ગાડી મગાવી છે જે બે દિવસમાં આવી જશે તેવું જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer