હિંદુ ભક્તોની 400થી વધુ ગણપતિ મૂર્તિઓનું મુંદરા બંદરે મુસ્લિમ માછીમારો દ્વારા થયું વિસર્જન

હિંદુ ભક્તોની 400થી વધુ ગણપતિ મૂર્તિઓનું  મુંદરા બંદરે મુસ્લિમ માછીમારો દ્વારા થયું વિસર્જન
મુંદરા, તા. 18 : ગણેશ સ્થાપન અને શોભાયાત્રાનો અનેરો ઉત્સાહ ગણેશ વિસર્જન વખતે ઓસરી જાય છે, પરંતુ ગઇકાલે સાંજે કચ્છની અનેરી એવી કોમીએકતાના દર્શન અડધી રાત સુધી થયા હતા. રાત્રિના સાડા અગ્યાર વાગ્યા સુધી મુંદરાના માચ્છીમાર ભાઇઓ જૂના બંદર ઉપર રજાક બુઢા ભટ્ટી અને તેમના ભાઇ હાજીએ પોતાની હોડી અલ-રમજાની જ્યારે મેરીટાઇમ બોર્ડના બંદર ઉપર હાજી જાન મામદ ભટ્ટી તેમની હોડી રહેચીને કિનારા ઉપર લગાડી ગણેશજીની મૂર્તિઓને વિસર્જન માટે આવતી હતી એને શ્રદ્ધા સાથે પોતાની હોડીમાં ગોઠવી મધદરિયે પહોંચતી કરી હતી. રજાકના જણાવ્યા અનુસાર જ્યાં 4થી 5 મથોળા પાણી છે ત્યાં મૂર્તિઓને દરિયામાં પધરાવી દેવામાં આવી છે જેથી કિનારે તેના અવશેષો દેખાય નહીં. 6થી 7 ફેરા કરીને આ ત્રણે માચ્છીમારોએ વિસર્જનની વિધિ કોઇપણ આર્થિક અપેક્ષા વગર સંપન્ન કરી હતી. જો કે શ્રદ્ધાળુઓએ બસો-ચારસો માચ્છીમારોને આપ્યા હતા એ અલગ વાત છે. દરમ્યાન હાજી જાનમામદે આજે રૂબરૂમાં આવી જણાવ્યું કે બંદરની જેટી પાસે ખૂબ મોટા પ્રમાણમાં ગણેશની મૂર્તિઓ હજુ જેમની તેમ પડી છે. બપોરે બે વાગ્યે ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઇ કસ્ટાને જાણ કરવાથી 4થી 5 ખારવા ભાઇઓ બંદરે પહોંચ્યા હતા અને વેરવિખેર પડેલી 400 જેટલી ગણેશની મૂર્તિઓને જાનમામદ ભટ્ટીની હોડીમાં ગોઠવીને બે ફેરા કરીને મધદરિયે પહોંચતી કરવામાં આવી હતી. સ્થાનિક પોર્ટ અધિકારી શ્રી અસારીના સહયોગની સરાહના સૌએ કરી હતી. અત્રે નોંધપાત્ર વિગત એ છે કે, મુંદરાનગર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ગણેશજીનું વિસર્જન મુંદરાના દરિયામાં કરવામાં આવે છે. સાંજે 4 વાગ્યાથી બન્ને બંદર ઉપર મેળા જેવો માહોલ હોય છે અને છેલ્લા કેટલાય વર્ષોથી મુંદરાના માચ્છીમારો પોતાની બોટ સાથે ગણેશજીની મૂર્તિને પોતાની હોડીમાં ગોઠવીને દૂર દરિયે પહોંચતી કરવાનું ઉમદા કાર્ય નિ:સ્વાર્થ ભાવે કરે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer