શું આ છે હમીરસર તળાવ સુશોભિકરણ ?

શું આ છે હમીરસર તળાવ સુશોભિકરણ ?
ભુજ, તા. 18 : શહેરમાં જોશભેર હમીરસર સુશોભિકરણ આરંભાયું પરંતુ તળાવમાં બાંધકામ કરાતાં જાગૃત નાગરિકો-સંસ્થાઓએ વાંધો ઉઠાવતાં હાલ કામ બંધ થયું છે. પણ રામધૂન સામે બનાવાયેલી ઓરડી અસામાજિક લોકો માટે આદર્શ સ્થાન બની ગઇ હોય તેમ દારૂ પણ પીવાય છે અને ગેરકૃત્યો પણ થઇ રહ્યાં છે. આ કૃત્યો અટકાવવા સુધરાઇના સત્તાધીશો જાગૃતિ બતાવી હાલપૂરતા ઓરડા તોડાવી નાખે તેવી લાગણી ફેલાઇ છે. ભુજમાં હમીરસર સુશોભિકરણ અંતર્ગતનાં કામ દરમ્યાન તળાવમાં બાંધકામ કરાતાં શહેરના જાગૃત નાગરિકો અને વિવિધ સંસ્થાઓ વિરોધમાં ઊતરી આવી કામ અટકાવી દીધું. લાંબા સમયથી કામ તો અટકી ગયું છે પરંતુ રામધૂન પાસે મજૂર તથા ચોકીદારને રહેવા તથા માલ-સામાન રાખવા માટે બનાવાયેલા કાચા રૂમોનો અત્યારે અસામાજિક તત્ત્વો ઉપયોગ કરી રહ્યા છે તેવી લોકફરિયાદ ઊઠી હતી.  આ ફરિયાદોને પગલે જ્યારે કચ્છમિત્રના ફોટોગ્રાફર સ્થળ પર પહોંચ્યા ત્યારે એક રૂમ ખુલ્લો હતો જેમાં કચરા સાથે શૌચક્રિયાઓથી ખરડાયેલું હતું. જ્યારે બાજુનો રૂમ બંધ હતો, તેને ખોલતાં અંદર શ્રમજીવી મહિલા-પુરુષ ક્ષોભજનક સ્થિતિમાં નજરે પડયા હતા. જો કે, ફોટોગ્રાફરને જોઇ પુરુષ સ્થળ છોડી ભાગી ગયો હતો. હાલ લાંબા સમયથી કામ તો બંધ છે અને ક્યારે શરૂ થશે તે કહી શકાય તેમ નથી તેથી ભુજ સુધરાઇ દ્વારા આ ઓરડા તોડી પડાય તેવી જાગૃતોએ માંગ કરી છે. આ ઉપરાંત અહીંથી નજીક જ ભૂતકાળમાં સુધરાઇ દ્વારા લોખંડની બેંચો નખાઇ હતી. જેનો   ઉપયોગ લોકો નહીં પણ અહીં પડયા-પાથર્યા રહેતા ભિક્ષુકો કરી રહ્યા છે. બાંકડા પર ગાંઠડા-પોટલા તેમજ તેનો સૂવા તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે જેને પગલે આ વિસ્તાર આખો ગંદકીથી ખદબદી રહ્યો છે અને લોકોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બને છ.ઁ  સુશોભિકરણ તો થાય ત્યારે સાચું પણ અત્યારે આ ગંદકીનું સામ્રાજ્ય સુધરાઇ દ્વારા દૂર કરાય તો પણ લોકોને હાશકારો થશે તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer