ભુજમાં શુક્રવારે કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાશે

ભુજ, તા. 18 : કચ્છી સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા ભુજમાં તા. 21 શુક્રવારના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કચ્છ યુનિવર્સિટીના કોર્ટ હોલમાં સાંજે 4 વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં `કચ્છી ભાષા સાહિત્ય અને વિકાસ' એ પુસ્તકનું વિમોચન કરાશે. વર્ષ 2016ના પારિતોષિક પણ આ પ્રસંગે વિતરણ કરાશે, જેમાં વાર્તા માટે કાનજી મહેશ્વરી `રિખીયો'ને દ્વિતીય તથા   નિબંધ માટે લાલજી મેવાડા `સ્વપ્ન'ને દ્વિતીય પારિતોષિક અપાશે. રાજ્યના સામાજિક શૈક્ષણિક પછાતવર્ગના કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષ સ્થાને યોજાનારા આ સમારંભમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયા, કચ્છ યુનિ.ના કુલપતિ ડો. સી. બી. જાડેજા, પૂર્વ કુલપતિ ડો. કાંતિ ગોર, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, વરિષ્ઠ પત્રકાર    કીર્તિભાઇ?ખત્રી, આકાશવાણી ભુજ કેન્દ્રના પૂર્વ નિયામક જયંતીભાઇ જોશી `શબાબ' તથા નારાયણ?જોશી `કારાયલ' ઉપસ્થિત રહેશે. મુખ્ય સમારંભ પૂર્ણ થયા બાદ કચ્છી તથા સિંધી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કચ્છી-સિંધી કવિ સંમેલન તથા સંવાદ સભા યોજાશે. કવિ સંમેલનમાં કચ્છી-સિંધી ભાષાના વિવિધ કવિઓ પોતાની રચના રજૂ કરશે. સંમેલનનું સંચાલન જયંતી જોશી કરશે. આ સમારંભમાં રસજ્ઞોને ઉપસ્થિત રહેવા કચ્છી સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. અજયસિંહ ચૌહાણ દ્વારા ઇજન અપાયું છે. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રકાશન પચાસ ટકા વળતરથી ઉપલબ્ધ બનશે તેવું પણ?એક યાદીમાં જણાવાયું છે. દરમ્યાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુભાઇ પંડયા 20 તારીખે નખત્રાણા કોલેજમાં યોજાનારા રણ, સાહિત્ય અને સંગ્રહ પરિસંવાદનું અધ્યક્ષ સ્થાન પણ સંભાળશે તથા પંડિત ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિતીર્થની પણ?તેઓ મુલાકાત લેનારા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer