કોલસાના ભઠ્ઠાની વાસ અને અબોલ જીવોના ભૂખ ભાંભરડા...

કોલસાના ભઠ્ઠાની વાસ અને અબોલ જીવોના ભૂખ ભાંભરડા...
સી.કે. પટેલ દ્વારા  નખત્રાણા, તા. 13 : હવે તો ભાદરવો પણ બેસી ગયો છે. આ વખતે ખેતરો વાવેતર વિનાના જ પડતર રહી ગયાં છે. સીમાડામાં કૂમળું ઘાસ ઊગે એટલો વરસાદ પણ પડયો નથી એટલે વનવગડામાં ક્યાંય લીલા-સૂકા ઘાસનું તણખલું પણ નથી ! પોતાનો માલ બચાવવા માટે હવાતિયાં મારી રહેલા ગરીબ માલધારીઓની ચહલ-પહલ સિવાય બીજું જનજીવન જાણે ઠપ જ થઈ ગયું છે... ક્યાંક ક્યાંક હવામાંથી આવતી કોલસાના ભઠ્ઠાની તીવ્ર વાસ અને ઘાસ વિના ટળવળતા અબોલ પશુધનના ભાંભરડામાં આવનારા સમયનું બિહામણું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે... વાત થાય છે નખત્રાણા તાલુકાનાં વિરાણી મોટી થઈ જતાવીરા વટાવ્યા પછી નાની બન્ની તરીકે ઓળખાતા વિસ્તારની.  બુધવારે કચ્છમિત્રની ટીમે જાત મુલાકાતમાં નાની બન્નીમાં માલધારી પોતાના મહામૂલા પશુધનને બચાવવાની કેવી કડાકૂટમાં રચ્યાપચ્યા છે તે નજીકથી જોવા-જાણવા મળ્યું.અખબારોમાં પ્રગટ થતા સરકારના ઘાસચારા અંગેની ધરપતોના અહેવાલથી માલધારીઓના ઢોરોના ખંધામાં ઘાસ પહોંચી જતું નથી તે આ પ્રવાસ દરમ્યાન ઠેરઠેર જોવા મળ્યું. સર્વત્ર ઘાસની રંભારાડ થઈ રહી છે અને તંત્ર રાહત પહોંચાડવામાં નિષ્ફળ જ રહ્યું છે તે નજરોનજર જોવા મળ્યું. તલ ગામે જાગૃત લોકોએ ફરિયાદ કરી કે તા.1-9-18ના ફુલાય ઘાસ ડેપો માટે આવેલી ગાડી નં. 6718 ફુલાય ગઈ જ નથી અને તલના ઉપસરપંચે તે ગાડી ઉતારી લઈ પોતાના માણસોમાં વિતરિત કરી નાખી છે ! અમીન ખમીસા જત નામના અરજદારે તેની ફરિયાદ તાલુકા મામલતદાર અને નાયબ કલેક્ટર નખત્રાણાની કચેરી સુધી કરી પણ રાજકીય દબાણને કારણે સરકારી ઘાસના પૈસા જમા લેવડાવી તંત્રે ફરિયાદનું ફીંડલું જ વાળી દીધું ! બળૂકાના બે ભાગ જેવો તાલ ઘાસ વિતરણમાં થઈ રહ્યો છે. વગવાળા લોકો ઘાસ લઈ જાય છે અને સામાન્ય માણસોના નસીબમાં ધરમધક્કા સિવાય કંઈ નથી ! ઘાસની વિતરણ વ્યવસ્થા પર જવાબદાર અધિકારીઓ જો તકેદારી નહીં રાખે તો જે કંઈ અપૂરતું ઘાસ આવે છે તે પણ ગરીબ પશુપાલક સુધી નહીં પહોંચે તે હકીકત છે.  સરકારી ઘાસ તો મળે તો મળે... ન મળે તો ? લોકો પોતાના ઢોર બચાવવા તમામ તરીકા અજમાવી રહ્યા છે. તાલુકા પંચાયતના ભૂતપૂર્વ સભ્ય અમીન ઉમર જત લૈયારીમાં મળી ગયા. એક જર્જરિત મકાનમાં એકઠો કરેલો ઘાસનો જથ્થો બતાવતાં તેમણે જણાવેલું કે, આ `ડીર' છે, જે છારીઢંઢમાં થાય છે અને શિયાળામાં અમે ભેગું કરી સંગ્રહ કરી રાખીએ છીએ જે અછતના સમયમાં કામ આવે છે. લુડબાયમાં પણ ઢોરોની સંખ્યા ઘણી છે. સરકારી ઘાસ તો મળતું નથી. માલધારી લોકો વહેલી સવારના તેમના વાહનો લઈ 50-60 કિ.મી. દૂર આવેલાં મંજલ, મંગવાણા અને દેવપર વિસ્તારમાં આવેલી પટેલોની વાડીએ પહોંચી જાય છે. વાડીના શેઢે અને દાડમના બગીચામાં ઊગતું નકામું ઘાસ એકઠું કરી ભારા બાંધી લઈ આવે છે અને ઢોરોને ખવડાવે છે. માત્ર લુડબાયની જ ચાર ગાડી ઘાસ માટે બબ્બે ફેરા કરે છે ! લુડબાય નવીના આગેવાન મજીદ પિયારૂ જતે લોકોને રોજગારી મળે તો રાહત રહે તેવું જણાવેલું. તલ ગામે બેરવાળી તળાવનું કામ પૂરું થઈ જતાં તેના 95 મજૂરો બેકાર થઈ ગયા છે. 100 દિવસની રોજગારીની ગેરંટી આપતી મનરેગા યોજના સારી છે પણ જોબકાર્ડ ઓનલાઈન કરવાની પ્રક્રિયા એટલી લાંબી છે કે ગરીબ લોકોને  જોઈએ તેવો લાભ મળતો નથી. વળી આ બધું કરે કો તે પણ મોટો પ્રશ્ન છે ! ઢોરા ગામે ગ્રામ પંચાયતના સભ્ય યાકુબ મુતવાએ ફરિયાદના સૂરમાં જણાવેલું કે અમારા ઘાસકાર્ડ આમારા ડેપો સાથે જોડેલાં છે જે અહીંથી 22 કિ.મી. દૂર છે ! માલધારીને કોઈપણ હિસાબે ત્યાંથી લઈ આવવું પોસાય તેમ જ ન હોઈ સામાન્ય માણસ તો ત્યાં ઘાસ લેવા જવાની હિંમત જ કરી શકતો નથી ! ઢોરાના પશુપાલકો બાજુમાં આવેલ ઉઠંગડી અને નરા તરફના ડુંગરાઓમાં વહેલી સવારના નીકળી જાય છે. થોર અને ગીચ ઝાડીઓ વચ્ચે બચી રહેલા ઘાસનું એક-એક તણખલું એકઠું કરી લઈ આવે છે અને ઢોરોને ખવડાવે છે. હાજીપીરના માર્ગ પર મોટર સાઈકલ પર ઘાસ લઈ જવાતું હોય તેવાં દૃશ્યો ઠેર-ઠેર જોવાં મળે.  આ વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ હોય એવું ક્યાંય જોવા ન મળ્યું ! તંત્ર માટે ખરેખર આ રાહતના સમાચાર છે. ક્યાંક પાણી અનિયમિત આવે છે ત્યાં ટેન્કરોથી પણ સમ્પ ભરી દેવાતા હોઈ માલધારીઓ ખુશ છે! ઘાસચારાના અભાવે પશુઓનાં મોત થયાનું પ્રમાણ ભલે ક્યાંય ન મળ્યું પણ એ દિવસો હવે દૂર નથી... તંત્ર જો ઘાસ વિતરણની પૂરતી વ્યવસ્થા નહીં ગોઠવે તો ગંભીર પરિસ્થિતિ નિર્માણ થવાની જ છે. માલધારી હવે `હરોડી' રહ્યા હોઈ માલને બચાવવાનું કામ મુશ્કેલ થઈ જવાનું છે... અછત મેન્યુઅલ અને માસ્ટર પ્લાનના આટાપાટામાંથી બહાર આવી તંત્ર વહેલી તકે રાહત પ્રવૃત્તિઓ શરૂ કરે તે જરૂરી છે. સરકાર અને સત્તાપક્ષના જવાબદારો 2019ની લોકસભા ચૂંટણીના પૂર્વ આયોજનમાં વ્યસ્ત છે ત્યારે અહીંના રહેવાસીઓને 2019ના ઉનાળા સુધી કઈ રીતે ટકવું તેની ચિંતા કોરી ખાઈ રહી છે... કપરા કાળ સામે લડવાનો જંગ હવે શરૂ થઈ ગયો છે ત્યારે તંત્ર ઊંઘતું ન ઝડપાય તે જોવાની જવાબદારી માત્રને માત્ર ગાંધીનગરની છે... 

પ્રથમ ગ્રાસે મક્ષિકા... ઘાસ વિતરણમાં ભ્રષ્ટાચાર  નખત્રાણા, તા. 13 :?ઘાસની અછત છે અને બીજા જિલ્લામાંથી આવતા ઘાસની આવક પણ ઓછી છે છતાં જે કંઈ ઘાસ આવે છે તેની સુચારુ વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં પણ તંત્ર નિષ્ફળ રહેતાં ઘાસ વિતરણમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે કેટલીક ચોંકાવનારી વિગતો પણ આ પ્રવાસ દરમ્યાન બહાર આવી હતી.  ટીમ જતાવીરામાં હતી ત્યારે સરકારી ઘાસની એક ગાડી જીજે-12-ઝેડ-2252 માળિયા હાટીના (વેરાવળ)થી વન વિભાગનું ઘાસ ભરી નખત્રાણા તાલુકાના ફુલાય ઘાસ ડેપો પર જતી હતી પણ આશ્ચર્ય વચ્ચે આ જ ગાડી અમને તલથી ફુલાય જતી વખતે સામી મળી અને તે પણ ભરેલી ! ફુલાયના ઘાસ ડેપો મેનેજર મેહુલસિંહ જાડેજા સ્થાનિકે જ મળી ગયા. તેમને ઘાસની આ ગાડી વિશે પૂછયું તો મૂળ મહેસૂલી તલાટી એવા આ કર્મચારીએ તદ્દન નિર્દોષ ભાવે જણાવ્યું કે મેં જ ગાડી બાજુના ગામે ડાયવર્ટ કરી છે ! જે તે ગામના આગેવાનો ઘાસનું વિતરણ કરી નાખશે ! વિતરણ રજિસ્ટરમાં એન્ટ્રી અને ઘાસકાર્ડ તેની નોંધ કરવા બાબતે તેમણે એવી સ્પષ્ટતા કરી કે તે તો હું પાછળથી બધું `સેટ' કરી લઈશ ! નિયમાનુસાર ઘાસની ગાડી ડેપો પર આવે એટલે મેનેજરે પ્રથમ તો સ્ટોક રજિસ્ટરે જમા લઈ વેચાણ રજિસ્ટર અને ઘાસકાર્ડમાં તેની એન્ટ્રી કરી કાર્ડધારકની સહી પણ લેવાની હોય છે, પણ ફુલાયના ડેપો મેનેજર પાસે આવું કોઈ સાહિત્ય જ નહોતું ! આવી અનિયમિતતા  ભ્રષ્ટાચારને જ પોષણ આપે ને ? 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer