અબડાસાનાં તેરા ગામે તાવ બેકાબૂ

અબડાસાનાં તેરા ગામે તાવ બેકાબૂ
નલિયા, તા. 13 : અબડાસાનાં તેરા ગામે તાવની બીમારી બેકાબૂ બની છે. ઘેર-ઘેર તાવના બિછાના મંડાયા છે. છેલ્લા એક પખવાડિયાથી આ બીમારીએ દેખા દીધી છે. જેને નાથવા આરોગ્યતંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરાય તેવી માગણી ઊઠી છે. આ અંગે તેરાના માજી સરપંચ આદમભાઇ લોધરાના જણાવ્યાનુસાર તેરા વિસ્તારમાં ઝેરી તાવ ફૂંફાડા મારે છે. સ્થાનિકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે પણ તેમાં ડોક્ટર ન હોતાં તાવના દર્દીઓ નખત્રાણા, ભુજ, નલિયા દવા લેવા જાય છે. તેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ બે ડઝન ગામો આવરી લેવાયાં છે, જેમાં બારા, લાખાણિયા, સુખપર, કરૈયા, ગુડથર, નાની ધુફી, ભારાપર, હમીરપર, કાળા તળાવ, કુણાઠિયા, રાયધણપર વગેરેનો સમાવેશ થાય છે. દોઢેક માસથી તબીબ ન હોતાં લોકોને ઘરઆંગણે સારવાર મળતી નથી. તેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક તબીબ નીમવા ઉપરાંત જિલ્લા પંચાયતની આરોગ્ય ટુકડી ગામમાં મોકલવાની સાથે માજીસરપંચે હાલે ગામમાં તાવના 60થી 70 કેસો હોવાનું  જણાવ્યું હતું. નજીકના ભૂતકાળમાં તેરા ગામે ડેંગ્યુનો રોગચાળો ફેલાયો હતો. જો કે તંત્ર આ બીમારીને નાથવા ઝુંબેશ ચલાવતાં રોગચાળો કાબૂમાં આવ્યો હતો. ફરી પાછો તાવે દેખા દેતાં ક્યા પ્રકારનો તાવ છે, તેની જાંચ કરી સારવાર માટે ટીમો મોકલવા માગણી કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer