પશુધન બચાવવા સહિયારા પ્રયાસ કરીએ

પશુધન બચાવવા સહિયારા પ્રયાસ કરીએ
ભુજ, તા. 13 : કચ્છ    જિલ્લામાં દુષ્કાળનાં વાંદળો ઘેરાઇ ચૂકયાં છે ત્યારે પશુધનને બચાવવા રાજ્ય સરકાર, સ્વૈચ્છિક સંસ્થાઓ અને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા આગળ આવી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો - સમાજિક સંસ્થાઓ, કર્મચારી સંગઠનોએ પણ સહયોગ માટે તત્પર થવું જોઇએ. કચ્છ એ દાનવીરોની ભૂમિ છે. દેશમાં જ્યારે જ્યારે કુદરતી આફત આવી હોય ત્યારે કચ્છના લોકો તેમના દુ:ખમાં તમામ રીતે પોતાનો સહયોગ આપે છે. હાલ કચ્છમાં વરસાદ ન થવાથી પશુઓની હાલત ખરાબ છે, તેવા સમયે કચ્છની જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ - કર્મચારીઓ અને કર્મચારી મંડળોએ પણ કચ્છના અમૂલ પશુધનને બચાવવા આગળ આવવું જોઇએ, જેમ હાલમાં કેરળમાં ભારે વરસાદથી તબાહી થતાં કચ્છ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાનું આર્થિક યોગદાન આપેલું છે, તેવી રીતે કચ્છના પશુધન માટે પણ જો પહેલ    કરવામાં આવે તો જિલ્લાનું પશુધન બચાવી શકીએ. કચ્છના દરેક સમાજ,રાજકીય, પક્ષો, ગરબી મંડળો, ગણેશ મંડળો આ પ્રશ્ને જરૂર વિચારી યોગ્ય કરે તો કચ્છનું પશુધન બચાવી શકીએ. હાલમાં ગણેશ ઉત્સવ ચાલુ છે ત્યાં પણ આપણે એક દાનપેટી રાખવી જોઇએ અને નવરાત્રિ મંડળો પણ આવું આયોજન કરે તો સહિયારા પ્રયાસથી દુષ્કાળનો સામનો કરી શકીએ, તેવો સૂર કચ્છ પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ બિપિન એ. ગોરે  વ્યક્ત કર્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer