કચ્છભરમાં પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી

કચ્છભરમાં પર્વાધિરાજ પર્યુષણની ઉજવણી
ભુજ, તા. 13 : જૈન સંપ્રદાયના પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કચ્છભરમાં જપ, તપ, આરાધના અને ક્ષમાપના સાથે થઇ હતી. ભુજના આરાધના ભવન જૈન સંઘમાં આચાર્ય શ્રીમદ્વિજય કલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય આચાર્ય અમિતયશસૂરિજી મ.સા. આદિ ઠાણા-3 તથા સા. પુષ્પાશ્રીજી મ.સા. તથા સાભ. હંસકીર્તિશ્રીજી મ.સા. આદિ ઠાણા-29ની નિશ્રામાં પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ થઈ હતી. બારસા સૂત્રની પોથી વહોરાવવાનો લાભ ગઢેચા વનેચંદભાઈ પોપટલાલભાઈ પરિવારે અને ગુરુપૂજનનો લાભ મહેતા જેઠાલાલભાઈ ગોપાલજીભાઈ પરિવારે લીધો હતો. સંઘ સાથે મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા તથા મંત્રી ધીરજલાલ મહેતાએ ક્ષમાપના કરી હતી. આચાર્ય અમિતયશસૂરિજી મ.સા.એ. બારસા સૂત્રનું વાંચન કર્યું હતું. તેમણે વેરઝેરની ગાંઠો કદી ન બાંધવા, જો બંધાઈ ગઈ હોય તો પ્રેમના અંજનથી તેનું વિસર્જન કરવાની શીખ આપી હતી. એક સદગૃહસ્થે પોતાનું નામ ગોપનીય રાખીને રૂા. પોણા ત્રણ લાખનો ચડાવો બોલી પરમાત્માની પ્રથમ પૂજા કરવાનો લાભ લીધો હતો. તેવું મીડિયા કન્વીનર વી.જી. મહેતાએ જણાવ્યું હતું. માંડવી તપગચ્છ જૈન સંઘમાં આજે સવારે પાંચ વાગ્યે પ્રતિક્રમણ બાદમાં ચતુર્વિધ સંઘ સાથે શહેરના જિનાલયોના સામૂહિક દર્શન ચૈત્યવંદન કરવા ચૈત્ય પરિપાટીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 65 ભાઈઓ અને 35 બહેનો પૌષધના પરિધાનમાં જોડાયા હતા. આરાધના ભવનમાં જૈનાચાર્ય પ્રદીપચંદ્રસૂરિશ્વરજી મ.સા.ને ચંપકબેન વલભજી પરિવારે બારસા સૂત્ર વહોરાવ્યું હતું. જ્યારે મણિબેન હીરજી સંઘવી પરિવારે ગુરુપૂજનનો લાભ લીધો હતો. ચતુર્વિધ સંઘને ક્ષમાપના કરવાનો લાભ કમલાબેન સુબોધચંદ્ર શાહ પરિવારે લીધો હોવાનું પૂર્વ ટ્રસ્ટી દિનેશ શાહે જણાવ્યું હતું. ઉપવાસ સિવાયના પૌષધધારી ભાવિકોને એકાસણા કરાવવાનો લાભ ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) પરિવારે લીધો હતો. વાંકી (તા. મુંદરા) : આઠ કોટિ મોટી પક્ષમાં ઉજ્વલાબાઈ મ.સા. તથા ચિંતનાબાઈ મ.સા.ના સાંનિધ્યમાં પર્યુષણ પર્વના આઠ દિવસમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. છ શ્રાવકોએ અઠ્ઠાઈ તપ તથા બીજા તપસ્વીઓએ પણ આરાધના કરી હતી. અમદાવાદના નવરંગપુરા સ્ટેડિયમ રોડ જૈન સંઘમાં નિત્ય ચંદ્ર દર્શન જૈન આરાધના ભવનના ઉપક્રમે તપગચ્છાધિપતિ આચાર્ય પ્રેમસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય આચાર્ય રત્નશેખરસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય  મુનિ નયશેખર વિ. મ.સા., બાલમુનિ શૌર્યશેખર વિ. મ.સા. તથા સા. ઋજુપ્રજ્ઞાશ્રી મ.સા.ની નિશ્રામાં સંવત્સરીના 17 વર્ષીય બાલમુનિ શૌર્યશેખર વિ. મ.સા.એ પ્રાકૃત ભાષાનું બારસાસૂત્ર (1250) શ્લોક કંઠસ્થ બોલી ગયા હતા. તેમાં જણાવાયું છે કે ખમવું અને ખમાવવું જોઈએ. આ પ્રસંગે ટ્રસ્ટી શૈલેશભાઈ શાહ, યોગેશભાઈ ગઢવી (બોક્ષા), ડો. ઋત્વિજ પટેલ, પંકજ શુક્લા, હિતેશભાઈ ચૌધરી, વિનયભાઈ દેસાઈ,દિનેશભાઈ દેસાઈ, કૌશલ જોષી, હેતલભાઈ પરીખ, પ્રદીપભાઈ ઝવેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મુંદરા તપગચ્છ જૈન સંઘ : સંચાલિત ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય મંદિરે પર્યુષણ પર્વની ઉજવણી કરાઇ હતી. દરરોજ નગરના તમામ જિનાલયમાં જૈનોની ભીડ જોવા મળે છે. સવારે પૂજાના ચડાવા, ભક્તામર, પ્રભુજીની આંગી, વ્યાખ્યાન, પ્રતિક્રમણ, રાત્રે ભક્તિ ભાવના, મંગલ દીવો, સામૂહિક આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમસ્ત જૈન સમાજ હોંશભેર ભાગ લઇ રહ્યો છે. કલ્પસૂત્ર તથા મહાવીર ભગવાનના જન્મ કલ્યાણકના વરઘોડા પણ નગરમાં નીકળ્યા હતા. દરરોજ પ્રવચનમાં મા.સા. દ્વારા કર્તવ્યનું વાંચન કરવામાં આવ્યું હતું. ધર્મનો મર્મ સરળ ભાષામાં સમજાવ્યો હતો. આજે મ.સા.એ બારસાસૂત્રનું પ્રવચન આપ્યું હતું. જિનાલયમાં એક વર્ષ પૂજાની સામગ્રીનો લાભ મેતા ગુલાબબેન નાગજી ખેતશી (લોડાઇ) તથા તપસ્વીઓનું બહુમાન કરવાનો લાભ મેતા સંપતભાઇ જગશીભાઇ (લોડાઇ) વાળાએ લીધો હતો. સાંજે પ્રતિક્રમણ બાદ સૌએ મિચ્છામી દુક્કડમ કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer