પત્રકારત્વ પીળું મટીને ભગવું થશે ત્યારે જ દેશનો ઉદ્ધાર

પત્રકારત્વ પીળું મટીને ભગવું થશે ત્યારે જ દેશનો ઉદ્ધાર
મુંબઇ, તા. 13 : `હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ તરફથી આનંદમૂર્તિ - પ્રખ્યાત સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય, ઉદારમૂર્તિ - સાહિત્યકાર અને લોકસાહિત્યના મર્મી સુરેન ઠાકર `મેહુલ' તેમજ આદર્શમૂર્તિ - પત્રકાર વિકાસ ઉપાધ્યાયનું  સન્માન થઈ રહ્યું છે. આ સમારોહમાં સહભાગી થઈને હું લાભાન્વિત થયો છું.' એમ સુવિખ્યાત રામકથાકાર મોરારિબાપુએ જણાવ્યું છે. હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ અને વિલે પાર્લે કેળવણી મંડળ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પદ્મશ્રી અને સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયને કલા માટે, સુરેન ઠાકર `મેહુલ'ને સાહિત્ય માટે અને પત્રકારત્વ માટે દક્ષિણ ગુજરાતના `દમણગંગા ટાઈમ્સ'ના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાયને હરીન્દ્ર દવે મેમોરિયલ એવોર્ડ મોરારિબાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આશીર્વચન આપતાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે, આ ત્રણેય બ્રાહ્મણો છે - એ યોગાનુયોગ છે. તેઓ બ્રાહ્મણ વર્ણને કારણે નહીં બ્રાહ્મણવૃત્તિને કારણે પૂજાયા છે. બ્રાહ્મણ દાન લે છે અને દાન આપે પણ છે, તે વિદ્યા ભણે છે અને ભણાવે છે. તેમજ તે યજ્ઞ કરે છે અને કરાવે છે. `હું આ ત્રણેય અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોમાં આ એક ગુણ જોઉં છું. વિકાસ ઉપાધ્યાય નાનામાં નાની ઘટનામાં ઊતરીને માહિતીનું દાન લે છે અને અખબાર દ્વારા તે દાન લોકોને આપે છે. પુરુષોત્તમ ઉપાધ્યાયે શૌચાલય પાસે વેકરામાં બેસીને લોકોને ગીતસંગીત સંભળાવ્યાં છે તે મેં જોયું છે. `મેહુલ'એ કવિ સંમેલનોના સંચાલન દ્વારા સાહિત્ય સાધના કરી છે. આ બધાએ ધંધા નથી કર્યા પરંતુ સાધના કરી છે. તેઓએ પોતાના આદર્શોમાં લૂણો લાગવા દીધો નથી. પત્રકારત્વ જે દિવસે પીળું મટીને ભગવું થશે તે દિવસે દેશનો ઉદ્ધાર થશે.  સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે એવોર્ડ સ્વીકાર્યા પછી પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આ એવોર્ડ હું માથે ચઢાવું છું. મારું કામ સ્વરને વહેવા દેવાનું હોય છે. માસ્ટર અશરફ ખાન પાસે મને ઘણું શીખવા મળ્યું છે. મુંબઈની કવિ ત્રિપુટી હરીન્દ્ર દવે, સુરેશ દલાલ અને જગદીશ જોશી મારે માટે આ બીલીપત્ર સમાન હતી. મારી ઉંમર 84 વર્ષ થઈ છે, પરંતુ હજી 85 વખત ગાઈ શકું એમ છું.  સુરેન ઠાકર `મેહુલ'એ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, આ લોકશિક્ષકનું સન્માન છે. કવિ સંમેલનનાં સંચાલનમાં કયાં થોભવું એ મહત્ત્વનું છે.  વિકાસ ઉપાધ્યાયે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અમારા તંત્રી ઉકાણીસાહેબે અખબારને સ્થાનિક બનાવવાનું દિશાસૂચન કર્યું હતું. વલસાડની આસપાસનાં 450 ગામડાં ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વર્તમાન સમયમાં પેજ-થ્રી કલ્ચરનું ચલણ વધી રહ્યું છે ત્યારે જિલ્લા પત્રકારત્વને અપાયેલો એવોર્ડ ચીલો ચીતરનારો બનશે એવી આશા છે. અહીં એ નોંધનીય છે કે, દમણગંગા ટાઇમ્સના માલિક, મુદ્રક, પ્રકાશક નાનાલાલભાઇ ઉકાણી મૂળ કચ્છના છે. પુરુષોત્તમ  ઉપાધ્યાયનો પરિચય કવિ હિતેન આનંદપરાએ, સાહિત્યકાર સુરેન ઠાકર `મેહુલ'નો પરિચય `કવિતા'ના તંત્રી અને કવિ રમેશ પુરોહિતએ તેમજ વિકાસ ઉપાધ્યાયનો પરિચય `જન્મભૂમિ પત્રો'ના કુન્દન વ્યાસએ આપ્યો હતો. કાર્યક્રમમાં ઉપજ્ઞા પંડયા અને આલાપ દેસાઈએ કવિ હરીન્દ્ર દવેનાં ગીતો રજૂ કર્યાં હતાં. સનત વ્યાસ અને ચિરાગ વોરાએ હરીન્દ્ર દવે લિખિત `માધવ ક્યાંય નથી મધુવનમાં'ના અંશોનું પઠન કરીને શ્રાવ્યને દૃશ્યમાં પરિવર્તિત કર્યાં ! હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી નવીનભાઈ દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કવિ હિતેન આનંદપરાએ કર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer