`ભુજ આશાપુરા મંદિરની યશોગાથા'' પુસ્તક લોકાર્પિત

`ભુજ આશાપુરા મંદિરની યશોગાથા'' પુસ્તક લોકાર્પિત
ભુજ, તા. 13 : શહેરની સ્થાપના સાથે જ સદીઓ પુરાણું આશાપુરા માતાજીનું મંદિર પવિત્ર આસ્થાનું સ્થાન છે. માતાજીના સ્વરૂપ, ઐતિહાસિક મંદિર, ઘટનાઓ, ઐતિહાસિક સ્થાપત્ય, મંદિરના વિકાસના અનેક સ્તરીય ઘટનાક્રમમાંથી પસાર થઈ એક ભવ્ય વટવૃક્ષ નિર્માણ પામ્યું છે. આ બધી જ બાબતોને ઉજાગર કરવા, એક સદીથી વધુ સેવાના ભેખધારી પૂજારી જનાર્દન પ્રમોદચંદ્ર દવે લિખિત પુસ્તક તૈયાર કરી તેનું લોકાર્પણ કરાયું છે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજવી પરિવારના પ્રાગમલજી ત્રીજા અને મહારાણી પ્રીતિદેવી રહ્યા હતા. જ્યારે અતિથિવિશેષ તરીકે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, નગર અધ્યક્ષા  લતાબેન સોલંકી, મહંત પૂજારી જનાર્દન દવે અને પૂજારી નીતાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મંચ પર તેરા ઠાકોર મયૂરધ્વજસિંહજી જાડેજા, આરતીબા, ભારતીબા, રોહા ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી જાડેજા, જોરાવરસિંહજી રાઠોર અને ઈન્દ્રજિતસિંહજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડો. કિશોરભાઈ દવેએ પ્રાર્થના-સ્તુતિથી કરી હતી. મહંત પૂજારી તથા આ પુસ્તકના લેખક શ્રી દવેએ `શ્રી ભુજ આશાપુરા મંદિરની યશોગાથા' પુસ્તક વિશે સંક્ષિપ્ત માહિતી આપી હતી. ત્યારબાદ પુસ્તકનું વિમોચન રાજવી પરિવારના મહારાઓ તેમજ મહારાણી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટ-સમિતિ વતીથી મહારાઓ અને મહારાણીના હસ્તે જનાર્દનભાઈને સન્માનપત્ર આપીને સેવા બિરદાવી હતી. સન્માનપત્રનું વાંચન પ્રતાપભાઈ આસરે કર્યું હતું. પુસ્તક તૈયાર કરવા માટ સહયોગીઓને પણ સન્માનિત કરાયા હતા. આભારવિધિ અને સંચાલન કનુભાઈ જોશીએ કર્યા હતા. રજનીકાંતભાઈ જોશી, શશિકાંતભાઈ રૂપારેલ સહયોગી બન્યા હતા. તેમજ આશાપુરા મંદિર સમિતિના સભ્યો અને આરતી ગ્રુપના કાર્યકરોનો સહકાર મળ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer