ગાંધીધામનું રમત સંકુલ કરોડોનો ધોળો હાથી

ગાંધીધામનું રમત સંકુલ કરોડોનો ધોળો હાથી
મનજી બોખાણી દ્વારા  ગાંધીધામ, તા. 13 : જિલ્લાના આર્થિક પાટનગર એવા આ સંકુલમાં ખેલાડીઓને રમવા માટે અને પોતાનું કૌશલ બતાવવા માટેનું સરકારી મેદાન એકમાત્ર રમત-ગમત સંકુલનું મેદાન છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલું આ મેદાન પણ છેલ્લા કેટલાક સમયથી ધોળા હાથી સમાન સાબિત થઇ રહ્યું છે. આ મેદાનમાં ખેલાડીઓ માટે સુવિધાના નામે મીંડું છે, તો કોઇ સરકારી કોચ પણ નથી. આવામાં અહીંના ખેલાડીઓ કેમ આગળ વધશે તે મોટો પ્રશ્ન છે. જોડિયા શહેરોની વચ્ચે આવેલા રમતગમત સંકુલનું થોડા વર્ષ પહેલાં કરોડોના ખર્ચે નિર્માણ કરી તત્કાલીન મંત્રીઓએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંકુલમાં સ્વીમિંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે પણ જ્યારથી આ સ્વીમિંગ પુલ બન્યો છે ત્યારથી તેમાં પાણીનું એક ટીપું પણ નાખવામાં આવ્યું નથી, તેની ?ટાઇલ્સ ઉખડી ગઇ છે. નીચે ઊતરવાની લોખંડની બનાવાયેલી સીડી પણ સડી ગઇ છે. તો જે હોલ બનાવાયો છે તેનાં પતરાં પણ અગાઉ પવનમાં ઊડી ગયા હતા. ખુલ્લી રહેલી છત માટે પક્ષીઓ આવીને સમગ્ર હોલને ગંદો કરતા હોય છે. આવામાં કોઇ કાર્યક્રમ યોજાય ત્યારે માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આ હોલમાં આવતી હોય છે, ત્યારે સરકારે લાખોના ખર્ચે આ હોલમાં જીમ કરવા માટેનાં સાધનો ફાળવ્યાં છે, પરંતુ કોઇ કોચ ન હોવાને કારણે તેમજ આ અંગેની કોઇને માહિતી ન અપાતી હોવાથી આ લાખોનાં સાધનો  ધૂળ ખાઇ રહ્યાં છે.  ટેબલ ટેનિસ માટેની પણ સુવિધા ઊભી કરાઇ છે, પરંતુ કોચના અભાવે ખેલાડીઓ કેવી રીતે અને કોની પાસે શીખે તે   પ્રશ્ન છે. ફૂટબોલ માટેના શોખીન ખેલાડીઓ પોતાના ખર્ચે સાધનો  લગાવીને પરસેવો પાડતા હોય છે, તો વોલીબોલ રમનાર ખેલાડીઓ પણ પોતાની રીતે જ વ્યવસ્થા કરીને પોતાનો શોખ પૂરો કરે છે. આ મેદાનમાં અનેક જગ્યાએ ઝાડી ઝાંખરા હોવાથી ખેલાડીઓને જીવજંતુઓનો ડર પણ સતાવતો હોય છે. ક્રિકેટ રમનારા ખેલાડીઓ પણ પોતાની રીતે જ પીચ બનાવીને પોતાના શરીરને ફિટ રાખતા હોય છે. આ સંકુલ માટે એકેય સરકારી કોચ ફાળવવામાં આવ્યા નથી. સજાના ભાગરૂપે મનાતા જિલ્લામાં કોઇ સરકારી કોચ આવવા તૈયાર જ નથી. તો આ મેદાનમાં કોઇ સુરક્ષા કર્મી પણ નથી, જ ઁના કારણે સાંજ પડયા બાદ આવારા અને લુખ્ખા તત્ત્વો આ મેદાનમાં ઘૂસી આવી દારૂની બાટલીઓ ખોલતા હોય છે અને ત્યાં જ મેદાનમાં બાટલીઓ મૂકીને જતા હોય છે. જે સવારે ખેલાડીઓ માટે મથાના દુ:ખાવા સમાન થઇ પડતું હોય છે, તેમજ વોકિંગ કરવા માટે કે દોડવીરો માટે  બનાવાયેલો રનિંગ ટ્રેક પણ ઉબડખાબડ હાલતમાં છે. આ મેદાનમાં આટઆટલી સમસ્યા હોવા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને અહીંના ખેલાડીઓની કાંઇ પડી જ ન હોય તેમ ઉપલી કક્ષાએ ક્યારેય આ અંગે રજૂઆત પણ કરાઇ ન હોય તેવું જણાય છે. આ મેદાનમાં તમામ ગેમના કોચની નિમણૂક કરાય, રનિંગ ટ્રેક, ફૂટબોલ મેદાન, ક્રિકેટ મેદાનને સુધારવામાં આવે તથા અહીં લાઇટની સુવિધા કરાય તે ખેલાડીઓ માટે ઇચ્છનીય છે. આ અંગે ભુજના સરકારી કોચ જિગરભાઇ દેસાઇનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ મેદાનની સુધારણા માટે રૂા. 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ટૂંક સમયમાં આવી જશે અને અહીં લાઇટની સુવિધા તથા સ્વીમિંગ પુલ સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવશે તથા ટૂંક સમયમાં સ્વીમિંગ કોચ અને ફૂટબોલના કોચની પણ નિમણૂક કરવામાં આવશે તથા ચોકીદાર માટેની વ્યવસ્થા પણ કરી દેવાશે. આવામાં જો ખેલાડીઓને પૂરતી સુવિધા, કોચ, સારા મેદાન ન મળતા હોય તો કેવી રીતે રમશે ગુજરાત, તેવું લોકો પૂછી રહ્યા છે અને અપૂરતી સુવિધાઓ વચ્ચે ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોમાં ખેલાડીઓ પોતાનું કૌવત કેમ બતાવશે તે પણ એક પ્રશ્ન છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer