ગાંધીધામમાં પાલિકા રખડતા આંખલા પકડવાની કામગીરી વિસરી

ગાંધીધામમાં પાલિકા રખડતા  આંખલા પકડવાની કામગીરી વિસરી
ગાંધીધામ, તા. 13 : શહેર અને સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા આખલાઓનો ત્રાસ વધ્યો છે. જાહેર માર્ગની આસપાસ ઊભા રહેતા આખલાઓની હડફેટે ચડતાં અનેક લોકો ઘવાયા છે. સાતમ-આઠમ પછી આખલા પકડવાની કામગીરી શરૂ કરનાર પાલિકા હજુ જાગી નથી તેવું લાગી રહ્યું છે. શહેર અને સંકુલમાં એકાદ વર્ષ અગાઉ પાલિકાએ આખલા પકડવાની કામગીરી શરૂ કર્યા બાદ આવી કોઈ કરવાની જ ન હોય તેમ ઘોર નિદ્રામાં પોઢી ગઇ છે. શહેરના ભારતનગર, જનતા કોલોની, અપનાનગર, મુખ્ય બજાર, 400 કવાર્ટર, ગણેશનગર, શક્તિનગર, સુંદરપુરી, મહેશ્વરીનગર, સુભાષનગર, ગુરુકુળ વગેરે તેમજ આદિપુરના કેસરનગર, મણિનગર, 4વાળી, પાંચવાળી, મુખ્ય બજાર, ટોગોર માર્ગ ઉપર રખડતા આખલાઓના કારણે લોકોમાં ભય ફેલાયો છે. આવા આખલાઓના યુદ્ધમાં અનેક લોકોએ પોતાનો જીવ ખોયો છે. તો અનેકને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી ત્યારે આ સાતમ આઠમ પછી પાલિકા આખલા પકડવાની કામગીરી હાથ ધરવાની હતી પરંતુ તેને પણ 10 દિવસ જેટલો સમય થવા આવ્યો છતાં પણ પાલિકાએ આ અંગે વિચાર્યું હોય તેવું જણાતું નથી. આ અંગે મુખ્ય અધિકારી નીતિન બોડાતનો સંપર્ક કરતાં ટૂંક સમયમાં ટેન્ડરિંગ કરી આખલા પકડવાની કામગીરી કરાશે તેવું તેમણે જણાવ્યું  હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer